7 લાખના ચરસના કેસમાં પેરોલ પર છૂટી ફરાર થયેલો 64વર્ષનો આરોપી પકડાયો
વડોદરાઃ શહેર પોલીસે ૨૧ મહિના પહેલાં કરેલા રૃ.૭ લાખના ચરસના કેસનો એક ૬૪ વર્ષીય વયનો આરોપી પેરોલ પર છૂટીને ફરાર થઇ જતાં એસઓજીએ તેને ઝડપી પાડયો છે.
અલકાપુરી વિસ્તારના અગ્રસેન ભવન પાસેથી જાન્યુઆરી-૨૦૨૩માં એસઓજીની ટીમે ૨૦૫૫ ગ્રામ ચરસનો કેસ કરી કુલ રૃ.૩.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસે વધુ આરોપીઓને પકડી કુલ રૃ.૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસનો ૬૪ વર્ષીય વયના આરોપી અઝીમુદ્દીન અહમદ અન્સારી(ડુમરા,જિ. સિવાન,બિહાર)ને વડોદરા જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.જેને ગઇ તા.૮મી જુલાઇએ ૧૦ દિવસના પેરોલ મળ્યા હતા અને તા.૧૭મીએ હાજર થવાનું હતું.
પરંતુ આરોપી હાજર નહિ થતાં જેલ સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી. એસઓજીની ટીમે વડોદરા રેલવે સ્ટેશન સામેથી તેને ઝડપી પાડયો હતો.અઝીમુદ્દીન અગાઉ પણ વર્ષ-૨૦૦૧માં ચરસના કેસમાં પકડાયો હતો અને ૧૦ વર્ષની સજા ભોગવી હતી.