આયુર્વેદિક દવા વેચતા ૫૮ વર્ષના ચાચાએ ૧૩ વર્ષની બાળકી સાથે બીભત્સ છેડછાડ કરી
ફરીથી દવા વેચવા નીકળેલા ચાચાને બાળકી ઓળખી જતા પરિવારજનોએ પકડી પોલીસને હવાલે કર્યો
વડોદરા,આયુર્વેદિક દવા વેચવાની ફેરી કરતા ૫૮ વર્ષના ચાચાએ ૧૩ વર્ષની બાળકીને તેલ માલિશ કરાવવાનું જણાવી તેના ઘરે જઇ બીભત્સ શારીરિક અડપલા કરતા સિટિ પોલીસે ગુનો દાખલ કરી ચાચાની ધરપકડી કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળકી ધો.૮ માં અભ્યાસ કરે છે. ગત તા.૮ મી એ બાળકી તેની બહેનના ઘરે ચાર દરવાજા વિસ્તારમાં ગઇ હતી. તેની બહેન અને માતા અમદાવાદ ગયા હોવાથી બપોરે તે ઘરે એકલી હતી. તે સમયે આયુર્વેદિક દવા વેચવાની ફેરી કરતા ૫૮ વર્ષના ચાચા આવ્યા હતા. તેમણે ૧૩ વર્ષની બાળકીને તેલ માલિશ કરી આપવાનું જણાવી તેની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ગયો હતો. તેણે માલિશ કરવાના બહાને બાળકીની ટી શર્ટ કાઢી નાંખી હતી. ચાચાએ બાળકીના શરીર પર હાથ ફેરવવાનું શરૃ કરી હળવું બચકું ભરી લીધું હતું. ત્યારબાદ હવસખોર ચાચાએ બાળકીના ગુપ્ત ભાગે પણ આંગળી વડે અડપલા શરૃ કર્યા હતા. તે દરમિયાન બાળકીની પિતરાઇ બહેન આવી ગઇ હતી. ચાચા આ શું કરો છો ? તેવી બૂમ તેણે પાડતા ચાચાએ દોડીને પિતરાઇ બહેનને પણ બાથમાં લઇ લીધી હતી. ત્યારબાદ ચાચા તેને ધક્કો મારી ભાગી છૂટયા હતા.
આ અંગે બાળકીએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ચાચાની શોધમાં હતા. બે દિવસ પહેલા ચાચા ફરીથી દવા વેચવા માટે નીકળ્યા હતા. ત્યારે બાળકીએ તેને ઓળખી બતાવતા પરિવારજનોએ હવસખોર ચાચાને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, સિટિ પી.આઇ. આર.બી. ચૌહાણે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી હમીદઉલ્લાખાન નૂરજમાનખાન પઠાણ ( રહે. મોગલવાડા) ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.