કલાગુરૃ રવિશંકર રાવલના 58 વર્ષ જૂના ચિત્રએ વડોદરામાં વિવાદ ઊભો કર્યો
શનિવારે 75 આર્ટિસ્ટોની 110 કલાકૃતિના પ્રદર્શનનો પ્રારંભ થતાં જ વિવાદના કારણે ગેલેરી સંચાલકે ચિત્ર ઊતારી લીધું
વડોદરા : ક્લાગુરુ પદ્મશ્રી રવિશંકર રાવલના ૧૩૩મા જન્મદિન નિમિત્તે વડોદરા ખાતે અલકાપુરી વિસ્તારમાં આવેલી સર્જન આર્ટ ગેલેરીમાં ગુજરાતના ૭૫ સમકાલીન કલાકારોના૧૧૦ ચિત્રો, ગ્રાફિક્સ અને શિલ્પોનું પ્રદર્શનનું આજે રાજમાતા રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ અને ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના પૂર્વ ડીન પ્રો. ડા. દીપક કન્નલે ઉદ્ધઘાટન કર્યું હતું.આ પ્રદર્શન તા.૧૦ ઓગસ્ટ સુધી રવિવાર સિવાયના દિવસોમાં બપોરના ૧૨ થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
જો કે આ પ્રદર્શનનો પ્રારંભ થતાં જ વિવાદમાં આવી ગયુ છે. પ્રદર્શનનું આયોજન કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ વડોદરા સ્થિત સર્જન આર્ટ ગેલેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં પદ્મશ્રી રવિશંકર રાવલના કેટલાક ચિત્રો પ્રદર્શનમાં મૂકાયા છે, જેમાં ૫૮ વર્ષ જૂના એક ચિત્રએ વિવાદ ઊભો કર્યો છે.
ચિત્રમાં શિવ-પાર્વતીને અર્ધનગ્ન અને અશ્લીલ દર્શાવાયા હોવાનો આક્ષેપ
જો કે આ મામલે ગેલેરીના સંચાલક હિતેશ રાણા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'જે ચિત્રના કારણે વિવાદ થયો છે તે ચિત્ર આજે સાંજે જ અમે હટાવી લીધું છે. અમારો હેતુ ધાર્મિક લાગણી દુભાવાનો હરગીઝ નથી. જે ચિત્રની વાત થઇ રહી છે તે કલાગુરૃ રવિશંકર રાવલે ૫૮ વર્ષ પહેલા ૧૯૬૬માં કુમારમંગલસિંહ નામના આર્ટિસ્ટના લગ્ન વખતે બનાવીને ભેંટ આપ્યું હતું. જો કે અમે ચિત્ર હટાવી દીધું છે'.