પગ પર સાપ કરડતા ૪૫ વર્ષની વ્યક્તિનું મોત
વારસિયાની એસ.કે. કોલોની,સયાજીપુરા માર્કેટ યાર્ડ અને કરજણમાં પણ સાપ કરડવાના બનાવો
વડોદરા,વરસાદ બંધ થયા પછી હવે સરિસૃપોના કરડવાના બનાવો વધી ગયા છે. ભરૃચ જિલ્લાના ગડીયા ડુંગર ગામે આધેડને ડાબા પગે સાપ કરડતા મોત થયું છે. જ્યારે કરજણ, સયાજીપુરા માર્કેટ યાર્ડ અને વારસિયામાં પણ સાપ કરડવાના બે બનાવો બન્યા છે.
ભરૃચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગડીયા ડુંગર ગામે રહેતા ૪૫ વર્ષના અરવિંદભાઇ ગંભીરભાઇ વસાવાને ડાબા પગે સાપ કરડતા તેને સૌ પ્રથમ સારવાર માટે રાજપીપળાની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેનું મોત થયું હતું.
કરજણ તાલુકાના કંડારી ગામે રહેતા ૫૦ વર્ષના ભીખાભાઇ સોમાભાઇ વસાવાને ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે ડાબા પગે સાપ કરડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આજવા રોડ સયાજીપુરા ખાતે રહેતા કાજલબેન રણજીતભાઇને આજે મળસ્કે ચાર વાગ્યે સયાજીપુરા માર્કેટમાં ડાબા પગે સાપ કરડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવવામાં આવ્યા હતા. તેમની હાલત સુધારા પર છે.
વારસિયા એસ.કે. કોલોનીમાં રહેતા ૩૫ વર્ષના કપિલ લાલચંદ પમનાનીને આજે સવારે ઘરે ડાબા હાથે સાપ કરડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.