વૃધ્ધ માતા પિતાને બપોરે ચા પીવડાવીને સુભાનપુરાના યુવાને ફાંસો ખાઇ લીધો
શેર બજારમાં ખોટ ખાધા બાદ આર્થિક રીતે પડી ભાંગ્યો હતો ૧૦ વર્ષથી પત્ની અને પુત્રી અલગ રહેતા હતા
વડોદરા : સુભાનપુરા વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના યુવકે જીંદગીથી હતાશ થઇને મંગળવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
સુભાનપુરા હાઇટેન્શન રોડ પર સુરજ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષના અલ્પેશ ઉમેદભાઇ પટેલ ત્રણ ભાઇઓમાં સૌથી નાનો હતો. બે ભાઇઓ અલગ રહે છે. અલ્પેશ વૃધ્ધ માતા પિતા સાથે રહેતો હતો. મંગળવારે બપોરે ૩.૧૫ વાગ્યાના અરસામાં માતા પિતાને ચા બનાવીને પીવડાવી હતી. ચા પીધા બાદ માતા પિતા બહાર લોબીમાં બેઠા હતા અને અલ્પેશ રૃમમાં ગયો હતો. હજુ તો ૧૫ મિનિટ જ થઇ હતી અને વૃધ્ધ માતા ઘરમાં પહોંચ્યા તો જોયુ કે અલ્પેશે રૃમમાં પંખા સાથે ચાદર બાંધીને ફાંસો ખાઇ લીધો છે.માતાએ બુમ પાડતા પિતા પણ દોડી આવ્યા હતા અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
આ ઘટનાની ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક વિગતો અનુસાર અલ્પેશ અગાઉ શેર બજારનું કામ કરતો હતો.તેમાં ભારે નુકસાન થયુ હતું જે બાદ તે આર્થિક રીતે કંગાળ થઇ ગયો હતો. ઘણા વર્ષોથી તે બેકાર ફરતો હતો. તેની પત્ની અને પુત્રી પણ ૧૦ વર્ષથી અલ્પેશથી અલગ રહે છે. અલ્પેશે હતાશા અને નિરાશાના કારણે જિંદગી ટૂંકાવી દીધી હોવાનું જાણવા મળે છે.