૩૨ વર્ષના જીમ ટ્રેનરનું છાતીમાં દુખાવો થયા બાદ હાર્ટે એટેકથી મોત
લગ્ન પ્રસંગે કન્યા વિદાય પછી ૨૨ વર્ષના યુવકને ઉલટી થયા બાદ ઢળી પડયો
વડોદરા,યુવા વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ચોવીસ કલાકમાં શહેરના બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. જેમાં એક યુવક તો જીમ ટ્રેનર હતો. જ્યારે લગ્ન પ્રસંગ પછી કન્યાની વિદાય પછી ૨૨ વર્ષનો યુવક ઉલટી થયા બાદ ઢળી પડયો હતો. તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ, સારવાર મળે તે અગાઉ જ તેનું મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કારેલીબાગમાં સ્લમ ક્વાટર્સમાં રહેતો ૩૨ વર્ષનો પ્રિતેશકુમાર રમેશભાઇ સોલંકી ડી.જે. સિસ્ટમ તથા જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે. ગઇકાલે બપોરે ડી.જે.ના કામ અર્થે તે આજવા રોડ ખોડિયાર નગર સાંઇકૃપા સોસાયટી ગયો હતો. કાકાના દીકરા સાથે તે ડી.જે.સિસ્ટમનું કામ કરતો હતો. તે દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડતા સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ. અર્જુનસિંહે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રિતેશનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે અન્ય એક બનાવમાં મૂળ વાઘોડિયાના જરોદ ગામે રહેતો ૨૨ વર્ષનો આશિષ રમેશભાઇ ઠાકરડા તેના મામાના ઘરે વાઘોડિયા રોડ મધુ પાર્કમાં રહેતો હતો. આજે તેના મામાના દીકરાની દીકરીનું લગ્ન હતું. લગ્ન વિધિ પૂર્ણ થયા પછી ભત્રીજીને વિદાય આપી હતી. થોડીવાર પછી આશિષને બેચેની લાગતા તે ન્હાવા ગયો હતો. ત્યાં જ તેને ઉલટી થઇ અને બેભાન થઇ ગયો હતો. આશિષને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ,સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.