ઓનલાઇન લોનના ચક્કરમાં ફસાયેલા ૩૧ વર્ષના સિવિલ એન્જિનિયરનો ફાંસો ખાઇ આપઘાત
અગાઉ લીધેલી લોન ચૂકતે કરી હોવા છતાં પૈસાની માગણી કરીને બીભત્સ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ મળતી હતી
વડોદરા : ગોરવા વિસ્તારમાં મંગળવારની સાંજે એક ૩૧ વર્ષના સિવિલ એન્જિનિયરે ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેના કારણે તેની પત્ની, બે નાના બાળકો નિરાધાર થઇ ગયા છે. યુવકના પિતા આઘાતમાં સરી પડયા છે. યુવકો થોડા સમય પહેલા ઓનલાઇન લોન લીધી હતી અને તે ચુક્તે કરી દીધા બાદ પણ ફરીથી પૈસા ભરવા માટે તેને ધમકીઓ મળતી હતી જેનાથી ત્રાસીને આખરે યુવકે અંતિમ પગલુ ભર્યુ હતું. યુવકે મરતા પહેલા બે ચિઠ્ઠી પણ લખી છે તેના આધારે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.
કોરોના વાયરસની જેમ ફેલાતો ઓનલાઇન બ્લેકમેલિંગનો કારોબાર
મયુર થોડા સમય પહેલા જ વિદેશથી આવ્યો હતો અને હાલમાં બોટાદ નજીક બની રહેલા બ્રિજની કામગીરી માટે કંપનીએ તેને બોટાદ મોકલ્યો હતો. ત્રણ દિવસ પહેલા મયુર વડોદરા આવ્યો હતો. મંગળવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં મયુરના પિતાએ ચા બનાવીને મયુરને આપ્યો હતો ત્યારે મયુરે કહ્યું હતું કે હું આરતી અને બાળકોને તેડીને આવુ છુ. જે બાદ મયુરના પિતા બહાર ચાલવા માટે નીકળ્યા હતા. તેઓ સાંજે ૬.૩૦ વાગ્યે પરત ફર્યા ત્યારે ઘરમાં દ્રશ્ય જોઇને તેઓ હેબતાઇ ગયા હતા. મયુરે રૃમમાં પંખા સાથે દોરડુ બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. મયુર પત્ની અને બાળકોને તેડવા જાય તે પહેલા ઓનલાઇન લોન આપતી કોઇ કંપનીનો ફોન આવ્યો હતો જે બાદ તેણે આ પગલુ ભર્યુ હોવાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે.
આપઘાત પહેલા મયુરે બે ચિઠ્ઠી લખી હતી : મને પણ દુઃખ થાય છે પણ મારા જોડે આ કર્યા સિવાય બીજો કોઇ રસ્તો નથી
પહેલી ચિઠ્ઠીમાં મયુરે લખ્યુ છે કે 'છેલ્લા કેટલાક દિવસથી મને એવા કોલ આવી રહ્યા છે કે તમે લોન પેમેન્ટ કરો અને ધમકી આપે છે કે અમે તમારા ગંદા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશું. મે પહેલા અમુક એપ્લિકેશન ઉપરથી લોન લીધી હતી પણ તે ચુકતે કરી હતી. અગાઉ લોન લીધી હતી તે ડોક્યૂમેન્ટનો તેઓ યુઝ કરી રહ્યા છે. મારા ઘરના કોઇ સભ્યોનો હાથ નથી. હું જાતે જ આ પગલુ ભરૃ છું. આરતી (પત્ની) તુ બન્ને (બાળકો)ને અને પપ્પાને તારી સાથે રાખજે. મને પણ દુઃખ થાય છે પણ મારા જોડે આ કર્યા સિવાય બીજો કોઇ રસ્તો નથી. હું આ લોકોની ડિમાન્ડ પુરી કરીશ તો પણ આ લોકો ભવિષ્યમાં મને પાછો હેરાન કરશે. તમને કોઇ અજાણ્યા નંબરથી ફોન આવે તો તમારે વાત કરવી નહી. મને માફ કરશો.'
મારા ઊંચા શોખના કારણે મારા ઉપર વધારે દેવું થઇ ગયુ છે જેથી હું આ પગલુ ભરી રહ્યો છું
મયુર ઓનલાઇન ગેમ પણ રમતો હતો જેમાં દેવુ થઇ ગયુ હોવાની પણ શંકા
ઓનલાઇન લોન ઉપરાંત મયુર ઓનલાઇન ગેમ પણ રમતો હતો અને તે ગેમને કારણે જ તેને હદ બહારનું દેવુ થઇ ગયુ હતુ તેવુ તેના પરિવારજનોનું કહેવુ છે.
જો કે મયુરે લખેલી ચિઠ્ઠીમાં ઓનલાઇન ગેમનો કોઇ ઉલ્લેખ નથી જ્યારે ગોરવા પોલીસનું પણ કહેવુ છે કે પ્રાથમિક તપાસમા હજુ સુધી ઓનલાઇન ગેમિંગની કોઇ વાત આવી નથી.