વેમાલીમાં રહેતી 30 વર્ષની મહિલા અટલ બ્રિજ પરથી પટકાતા મોત
Image: Facebook
વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતી ૩૦ વર્ષની મહિલાએ ગઇકાલે રાતે અટલ બ્રિજ પરથી નીચે પડતા ગંભીર ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતા ૩૦ વર્ષના ઇસ્પાબેન તુષારભાઇ દલાલ ગઇકાલે રાતે પોણા અગિયાર વાગ્યે અટલ બ્રિજ ગેંડા સર્કલ નજીક ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, મોડીરાતે પોણા એક વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે અલગ - અલગ ચર્ચા ચાલી રહી છે. મહિલા બ્રિજની પાળી પર બેસવા જતા નીચે પડી ગઇ હતી. બીજી ચર્ચા એવી છે કે, મહિલાએ ઉપરથી નીચે કૂદીને આપઘાત કર્યો છે. ત્રીજી ચર્ચા એવી છે કે, મહિલાને કોઇએ ધક્કો મારી દીધો. બનાવ અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇસ્પાના પતિ અમેરિકા રહેતા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેનો મૃતદેહ કોલ્ડ રૃમમાં મૂકવામાં આવ્યો છે.
ગોરવા પોલીસે અટલ બ્રિજ પરના સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા ચાલતી જતી દેખાય છે. તેની આગળના સીસીટીવી ઉપ્લબ્ધ ન હોય પોલીસે તે સમયે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોની શોધખોળ શરૃ કરી છે. તેઓની પૂછપરછ પછી સત્ય હકીકત બહાર આવે તેવી શક્યતા છે. મહિલા ઘરેથી કોઇ વાહન લઇને નીકળી હોવાની શક્યતા છે. પરંતુ, પોલીસને હજી તે વાહન મળ્યું નથી.