ઓનલાઇન ગેમમાં રૃપિયા હારી જતા ૨૮ વર્ષના યુવાને જીવન ટૂંકાવ્યું
લોક કરેલો મોબાઇલ ફોન ખોલી ગેમની વિગતો મેળવવા પોલીસની તપાસ
વડોદરા,મોબાઇલ ફોન પર ઓનલાઇન ગેમ રહેતા યુવાન રૃપિયા હારી જતા તેણે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એલેમ્બિક રોડ એફ.સી.આઇ. ગોડાઉનની બાજુમાં અર્પિતા કોમ્પલેક્સમાં રહેતો ૨૮ વર્ષનો આનંદ રામચંદ્ર દાનાવડે મજૂરી કામ કરે છે. માતા સાથે રહેતા આનંદના પિતાનું અવસાન થયું છે. તેના લગ્ન થયા નહતા. ગઇકાલે સાંજે તેણે ઘરે પંખાના હુક સાથે રૃમાલ બાંધીને આપઘાત કરી લીધો હતો. થોડા સમય પછી તેની ભાણી ઘરે આવતા દરવાજા ખુલ્લા હોય તેણે અંદર જઇને જોયું તો મામાએ આપઘાત કરી લીધો હતો. તેને પરિવારજનોને જાણ કરી હતી. પરિવારે આ અંગે સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આનંદ મોબાઇલ ગેમના રવાડે ચડી ગયો હતો. આનંદ નવો મોબાઇલ ફોન ખરીદવાનો હતો. પ રંતુ, પૈસાની વ્યવસ્થા નહીં થતા તેણે જૂનો મોબાઇલ ફોન રિપેર કરાવ્યો હતો. મોબાઇલ ફોન પર તે ઓનલાઇન ગેમ રમતો હતો. ડ્રેગન ટાઇગર નામની ગેમમાં તે રૃપિયા હારી જતા તે ટેન્શનમાં હતો. તેના કારણે જ તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. તેનો મોબાઇલ ફોન લોક હોવાથી વધુ વિગતો મળી નથી. પોલીસે ફોન અનલોક કરવાની કામગીરી હાથ ધરી છે. આનંદની નાની બહેનના લગ્ન ટૂંક સમયમાં લેવાના હતા.પરંતુ, ભાઇના આપઘાતના પગલે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યું છે.