214 વર્ષ જૂની પરંપરા, વડોદરામાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો
વડોદરા,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેરમાં પરંપરા પ્રમાણે આજે દેવ ઉઠી અગિયારસના પવિત્ર દિવસે શહેરના માંડવી ખાતે આવેલા ઐતહાસિક ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી આજે ભગવાનનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો અને તેમાં સેંકડો લોકો જોડાયા હતા.
આ મંદિરનુ સંચાલન વડોદરાના રાજવી પરિવારના ટ્રસ્ટ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. દેવ ઉઠી અગિયારસના દિવસે અહીંથી ભગવાન વિઠ્ઠલનાથજી વાજતે ગાજતે લગ્ન કરવા માટે નીકળે તે પરંપરા સદીઓ જૂની છે. આજે 214માં વર્ષે આ પરંપરા પ્રમાણે સવારે ભગવાનને પાલખીમાં પધરાવવામાં આવ્યા હતા. એ પછી રાજવી પરિવારના સભ્યો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે ભગવાનની આરતી ઉતારી હતી. વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...ની ધૂન સાથે વાજતે ગાજતે આ વરઘોડો શહેરના એમજી રોડ, ન્યાય મંદિર તેમજ રાવપુરા થઈને ખાસવાડી સ્મશાન નજીક આવેલા ગહેનાબાઈ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે આ વરઘોડો સાંજના પાંચેક વાગ્યે ફરી ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતે પરત ફરશે. એ પછી રાત્રે 8:30 વાગ્યાથી ભગવાનના તુલસીજી સાથે વિવાહ થશે. સાથે સાથે 100 વર્ષ કરતા જૂની પરંપરા પ્રમાણે એમજી રોડ પર આવેલા ભગવાન રણછોડજીના મંદિર ખાતેથી પણ ભગવાન રણછોડજીનો વરઘોડો સાંજના સમયે નીકળશે અને આ વરઘોડો ચાર દરવાજા વિસ્તારમાં ફરીને બાજવાડા ખાતે આવેલા લક્ષ્મીજીના મંદિરમાં પહોંચશે. જ્યાં ભગવાનના લક્ષ્મીજી સાથે ઘડિયા લગ્ન લેવાશે. વહેલી સવારે આ વરઘોડો રણછોડજીના મંદિર ખાતે પરત ફરશે.