૨૧ વર્ષનો યુવાન અકસ્માતમાં બ્રેન ડેડ થતા પાંચ અંગોનું દાન કરાયું
કિડની અમદાવાદ અને લીવર સુરત ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલાયા : પાંચ દર્દીઓના જીવનમાં ઉજાસ ફેલાશે
વડોદરા,રણોલી ગામમાં રહેતા ૨૧ વર્ષના યુવાનનું ત્રણ દિવસ પહેલા અકસ્માત થતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેેને બ્રેનડેડ જાહેર કરવામાં આવતા યુવાનના માતા - પિતાની ઇચ્છા તથા હોસ્પિટલના સ્ટાફની સમજાવટથી તેના ઓર્ગન ડોનેટ કરવામાં આવતા પાંચ વ્યક્તિઓની જીંદગીમાં નવો ઉજાસ ફેલાશે.
આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના રણોલી ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતા હર્ષદભાઇ વ્યાસ રણોલીની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમનો દીકરો અનુરાગ વ્યાસ કુરિયરમાં નોકરી કરતો હતો. ગત તા. ૨૯ મી એે અનુરાગ તેના મિત્ર સાથે બહાર ગયો હતો. રાતે સાડા નવ વાગ્યે પરત આવતા સમયે દશરથ ગામ પેટ્રોલ પંપ પાસે અકસ્માત થતા તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અકોટા બ્રિજ પાસેની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટર દ્વારા તેની સારવાર શરૃ કરવામાં આવી હતી. પરંતુ, પેશન્ટ બ્રેનડેડ થઇ જતા તેના બચવાના ચાન્સ રહ્યા નહતા.
કબીર પંથમાં માનતા પિતા અને માતાએ પુત્રના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ તેઓને સમજ આપવામાં આવી હતી. છેવટે ઓર્ગન ડોનેટ કરવાનું નક્કી થતા રેલવે હોસ્પિટલના ડો. દિપાલી તિવારી દ્વારા કાયદાકીય કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. પેશન્ટની બે કિડની, લિવર અને બે આંખો ડોનેટ કરવામાં આવી હતી. કિડની અમદાવાદ અને લીવર સુરત ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલી આપવામાં આવ્યા હતા.
ઓર્ગન ડોનેશન માટે સરકારી હોસ્પિટલમાં નિરસતા
વડોદરા,ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન માટે દર્દીના સગાને મનાવવામાં સ્ટાફ સફળ થતો હોય છે. જ્યારે સૌથી વધુ અકસ્માતના કેસ સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. પરંતુ, સરકારી હોસ્પિટલનો સ્ટાફ દર્દીના સગાને ઓર્ગન ડોનેશન માટે તૈયાર કરવામાં નિષ્ફળ રહે છે. સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓર્ગન ડોનેશન અંગે વધારે મહેનત કરવામાં આવે તો વધુ દર્દીઓના જીવ બચાવી શકાય.