વડોદરાના મારેઠા ગામના ફળિયામાં રાતે 3 વાગે 12 ફૂટના મગરની દોડધામ,સાઇકલોને નુકસાન
વડોદરાઃ કૂતરાનો શિકાર કરવા માટે નદીમાંથી બહાર નીકળેલો મગર ફળિયામાં અટવાતાં નાસભાગ મચી હતી.મગરનું રેસ્ક્યૂ કરતાં જીવદયા કાર્યકરોને નાકે દમ આવી ગયો હતો.
વડોદરા પાસે મારેઠા ગામમાં મગર આવી જવાના અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે ગઇરાતે ત્રણેક વાગે ૧૨ ફૂટના મહાકાય મ ગરે રહીશોની ઊંઘ ઉડાડી દીધી હતી.
જીવદયા કાર્યકર જયેશ પટેલે કહ્યું હતું કે,મગર કૂતરાનો શિકાર કરવા માટે બહાર નીકળ્યો હોવાનું જણાય છે.ત્યારબાદ તે અટવાઇ જતાં ફળિયામાં ઘૂસી ગયો હતો અને તેને કારણે ત્રણ થી ચાર સાઇકલોને પણ નુકસાન થયું હતું.
સ્થાનિક રહેવાસીએ અમને જાણ કરતાં કાર્યકરોની ટીમે દોઢ કલાક સુધી જહેમત ઉઠાવી મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.બનાવને પગલે ગામ લોકો ભેગા થઇ જતાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.