ઘડિયા ગામના 10 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ઘડિયા ગામના 10 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત 1 - image


ખેડા જિલ્લામાં વધુ એક બાળકનું મોત થયું

ગોધરા અને બરોડામાં પાંચ દિવસ સુધી સારવાર લીધા બાદ પણ જીવ ન બચાવી શકાયો ઃ જિલ્લામાં કુલ ૬ કેસ નોંધાયા જેમાં બે બાળકોના મૃત્યુ

નડિયાદ: ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામના ૧૦ વર્ષિય બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાતા ગોધરા અને ત્યારબાદ બરોડા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પાંચ દિવસની સારવાર બાદ ગુરુવારે બાળકનું મોત નિપજ્યું હતું. અત્યારસુધીમાં જિલ્લામાં છ બાળકો ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે.

ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬ બાળકો ચાંદીપુરા વાયરસમાં સપડાયા છે. જેમાં અગાઉ મહેમદાવાદના એક બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. તેવામાં ગુરુવારે ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામના ૧૦ વર્ષના પ્રતિકનું મોત નિપજ્યું હતું.  બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. દિવસભરની સારવાર બાદ પણ બાળકના આરોગ્યમાં સુધારો ન થતાં તેને ગોધરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે બરોડાની એસએસજી ખાતે રિફર કરવામાં આવ્યો હતો. 

પાંચ દિવસથી ચાંદીપુરા વાયરસ સામે ઝઝુમતા બાળકે ગુરુવારે દમ તોડયો હતો. બાળકના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 


Google NewsGoogle News