Get The App

બાઓબાબ વૃક્ષ પર ૧૫ વર્ષ પહેલા ૫૦ મધપૂડા એકસાથે જોવા મળ્યા હતા

ગણપતપુરા ખાતે આવેલ ૯૫૦ વર્ષ જૂનુ આ વૃક્ષ

બાઓબાબ વૃક્ષની સામાન્ય આયુષ્ય ૩થી ૫ હજાર વર્ષની હોય છે ત્યાં સુધી આ અડીખમ ઊભુ રહે છે

Updated: Feb 23rd, 2020


Google NewsGoogle News
બાઓબાબ વૃક્ષ પર ૧૫ વર્ષ પહેલા  ૫૦ મધપૂડા એકસાથે જોવા મળ્યા હતા 1 - image

વડોદરા, તા.23 ફેબ્રુઆરી 2020, રવિવાર

નેચરવોકના ૫૦ સભ્યોએ પાદરા પાસે આવેલા ગણપતપુરાના ૯૫૦ વર્ષ જૂના બાઓબાબ વૃક્ષની મુલાકાત લીધી હતી. આ વૃક્ષ વિશે નેચરવોકના સભ્ય અરુણ મુજુમદારે કહ્યું કે, આ વૃક્ષ ઉપર સફેદ રંગના ફૂલ આવે છે જે ૪થી ૬ ઈંચના હોય છે. તેમાં મધનું પ્રમાણ સૌથી વધુ હોવાથી મધમાખીઓ ખૂબ બેસે છે. આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા આ વૃક્ષ ઉપર ૫૦ મધપૂડા એકસાથે જોવા મળ્યા હતા. જો કે મધમાખીઓનો પ્રમાણ ઓછુ થતા આ વર્ષે એકપણ મધપૂડો જોવા મળ્યો નહોતો.

નેચરવોકના સભ્યે જણાવ્યું કે, ગુજરાતમાં વાપીથી ડહાણું સુધી મોટી સંખ્યામાં આ વૃક્ષો જોવા મળે છે. વડોદરાની આસપાસ છ વૃક્ષો હતા જેમાંથી અત્યારે ચાર જ રહ્યા છે. આ વૃક્ષની છાલ ચારથી છ ઈંચ જાડી હોય છે અને અંદર થડમાં પોલાણ હોવાથી મોટા જથ્થામાં વૃક્ષ પાણીનો સંગ્રહ કરે છે. સાઉથ આફ્રિકામાં બાઓબાબના એક મોટા વૃક્ષના થડમાંથી પાણી કાઢતા લગભગ સવા લાખ લીટર જેટલું પાણી નીકળ્યું હતું. ગણપતપૂરા સ્થિત આ વૃક્ષનું થડ ૧૬ લોકો સાંકળ બાંધીને ઊભા રહે તેટલું મોટું છે.

બાઓબાબ વૃક્ષ પર ૧૫ વર્ષ પહેલા  ૫૦ મધપૂડા એકસાથે જોવા મળ્યા હતા 2 - imageઆ વૃક્ષ પર આવતા ફળ પપૈયાના આકારના પણ કોઠા જેવા કડક હોય છે. સાતથી આઠ માસ સુધી આ વૃક્ષ પર પાંદડા હોતા જ નથી પણ નવા પાંદડા આવતા જ ૧૫ દિવસમાં ચોક્કસ વરસાદ આવે છે.ચોમાસાના ચાર મહિના જ આ ફળ-ફૂલ આવે છે અને વરસાદ જતા જ એક મહિનામાં આ વૃક્ષના તમામ પાંદડા ખરી પડે છે. બાઓબાબના ફળના માવામાં સંતરા કરતા પાંચગણું વિટામીન 'સી' હોય છે. જેથી ઘણા લોકો અશક્તિમાં તેનું શરબત બનાવીને પીવે છે.આ વૃક્ષની સામાન્ય આયુષ્ય ૩થી૫ હજાર વર્ષની હોય છે ત્યાં સુધી તે અડીખમ ઉભુ રહે છે.

થડના રેસા મજબૂત હોવાથી દસ્તાવેજના કાગળ બનાવાય છે

બાઓબાબ વૃક્ષનું લાકડુ ખૂબ જ પોંચુ હોય છે જેના એક ઘનમીટરનું વજન ૨૫૦થી ૨૭૫ કિલો જ્યારે સાગના લાકડાનું વજન ૧૨૦૦થી ૧૫૦૦ કિલો હોય છે. બાઓબાબના થડના રેસા ખૂબ જ મજબૂત હોય છે જેમાંથી આફ્રિકાના આદિવાસીઓ કાપડ, દોરડા, માછલી પકડવાની જાળ બનાવે છે. બીજી તરફ રેસામાંથી બનતો કાગળ મજબૂત હોવાથી તેનો ઉપયોગ દસ્તાવેજ અને ચલણી નોટોના કાગળ બનાવવામાં થાય છે.

આફ્રિકાનું કલ્પવૃક્ષ બાઓબાબબાઓબાબ વૃક્ષ પર ૧૫ વર્ષ પહેલા  ૫૦ મધપૂડા એકસાથે જોવા મળ્યા હતા 3 - image

વૃક્ષના થડમાંથી પાણી કાઢી નાખ્યા બાદ આફ્રિકાના લોકો તે થડમાં બસ સ્ટેન્ડ, દવાખાનુ, પબ્લીક ટોયલેટ વગેરે બનાવ્યા છે. પૂર્વ આફ્રિકાનો દેશ માડાગાસ્કરમાં તો ૨૦૦ફૂટના ઘેરાવાવાળા વૃક્ષના પોલાણમાં બીયરબાર બનાવ્યું છે. જેમાં ૬૦ લોકો આરામથી બેસીને બીયર પીઈ શકે છે. આફ્રિકાના લોકો બાઓબાબને કલ્પવૃક્ષ તરીકે માને છે. તેના પાંદડાનો ઉપયોગ આદિવાસીઓ શાક તરીકે કરે છે તેમજ પાંદડાને વાટીને તેમાંથી નીકળતા ફીણનો ઉપયોગ કપડા ધોવામાં કરે છે.



Google NewsGoogle News