હર્બલ પ્રોડક્ટનું યુએસએમાં વેચાણ કરવાનાં નામે ૯૫ લાખની છેતરપિંડી

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
હર્બલ પ્રોડક્ટનું યુએસએમાં વેચાણ કરવાનાં નામે ૯૫ લાખની છેતરપિંડી 1 - image


રાજકોટનાં બેડી યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી સાથે

જે કંપની પાસેથી હર્બલ પ્રોડક્ટ ખરીદી પૈસા ચૂકવ્યા હતા તેણે પાર્સલમાં ધૂળનાં ઢેફાં મોકલ્યાં

રાજકોટ :  હર્બલ પ્રોડક્ટની ખરીદી કરી તેને યુએસએમાં વેચાણ કરી મોટો નફો કમાવવાની લાલચમાં એક વેપારી સાથે ઓનલાઇન રૃા. ૯૫ લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી રોડ પરના સેટેલાઇટ ચોકમાં શ્રીવાટિકા સોસાયટીમાં રહેતા વિમલભાઈ ગાંડુભાઈ ડોબરીયા (ઉ.વ.૪૦)ને બેડી માર્કેટિંગ યાર્ડમાં શ્રીરામ ઇમ્પેક્સ નામની પેઢી છે. તેણે પોલીસને જણાવ્યું કે છેલ્લા ૧૯ વર્ષથી તે પેઢી ધરાવે છે. એકાદ વર્ષ પહેલા તેના ભાણેજ વિરાજ રમેશભાઈ પરસાણા (રહે. શિવગંગા ગુજરાત સોસાયટી, પેડક રોડ)ને તેના મેઇલ આઈડીમાંથી એક મેઇલ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે વિદેશી કંપનીને પોલો હોર્સ માટે ભારતમાં એક્સપોર્ટર માટે આસીસ્ટન્ટ કંપનીની જરૃર છે.

એટલું જ નહીં તેના ભાણેજને બીજા કેટલાક મેઇલ આઈડી પરથી મેઇલ આવ્યા હતા. મોબાઇલથી પણ સંપર્ક કરાયો હતો. જેને કારણે તેનો ભાણેજ વિરાજ તેની પેઢીએ રૃબરૃ આવ્યો હતો અને તેને સમજાવ્યું કે ભારતની લોકલ કંપની પાસેથી હર્બલ પ્રોડક્ટની ખરીદી કરી તેને યુએસએ ખાતે સપ્લાય કરવાની છે. આ માટેભારતની  પવનકુમાર નામની કંપની પાસેથી માલની ખરીદી કરી તેને યુએસએ મોકલવાની રહેશે.

જેથી તેણે ભાણેજ વિરાજના કહેવાથી તેની બંને પેઢીના બેંક ખાતામાંથી આરોપીઓએ જણાવેલ બેંક ખાતામાં રૃા. ૯૫ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારપછી તેના ભાણેજના ઘરે કુરિયર આવ્યું હતું. બાકીના પાર્સલ મવડી ચોકડી પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસે લેવા માટે તે અને તેનો ભાણેજ વિરાજ ગયા હતા.

પાર્સલ લઇ ઘરે આવી તેને ખોલતા તેમાંથી હર્બલ પ્રોડક્ટને બદલે માટી નીકળી હતી. પરિણામે પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતા સીઆઇડી ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર ગઇ તા. ૯-૫-૨૦૨૪ના રોજ અરજી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આજે ગુનો દાખલ કર્યો હતો. જેમાં તેના ભાણેજ વિરાજનો જુદા-જુદા મેઇલ આઈડી પરથી સંપર્ક કરનારા, જે બેંક ખાતામાં ૯૫ લાખ જમા કરાવ્યા હતા તેના ખાતાધારક અને જે મોબાઇલ નંબર પરથી સંપર્ક કરાયો હતો તેના ધારકોને આરોપી બનાવી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News