ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૪.૧૦ ટકા પરિણામ
રાજ્યની સરખામણીએ ગાંધીનગરનું ઉંચુ પરિણામ
ગાંધીનગરનું છાલા કેન્દ્રનું પરિણામ ગુજરાતમાં સૌથી વધુ
૯૯.૬૧ ટકા આવ્યું
૬૯૫ વિદ્યાર્થીઓ નાપાસ ઃ વિદ્યાર્થીઓની અપેક્ષા કરતાં સારૃ
પરિણામ જાહેર થયું
ગાંધીનગર : બોર્ડની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓની પરિણામ સંબંધિ આતુરતાનો આખરે અંત આવ્યો છે. ગુજરાત રાજ્યનું પરિણામ ૯૧.૯૩ ટકા આવ્યું છે. તેની સામે ગાંધીનગર જિલ્લાનું પરિણામ ૯૪.૧૦ ટકા આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં સૌથી ઉંચો એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ૧૦૪ અને સૌથી નીચો ડી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ૯૯ નોંધાઇ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાર સુત્રો મુજબ ગાંધીનગર જિલ્લામાં નિયત કરવામાં આવેલા કેન્દ્રોમાંથી સૌથી વધુ છાલાનું ૯૯.૬૧ ટકા અને સૌથી ઓછું લવારપુરનું ૮૬.૭૫ ટકા પરિણામ નોંધવામાં આવ્યું છે. એકંદર અપેક્ષા પ્રમાણેનું ઉંચુ પરિણામ જાહેર થયું છે. જિલ્લામાંથી પરીક્ષા આપનારા કુલ ૧૧૧૬૨ માંથી ૧૦૪૬૭ પાસ અને ૬૯૫ વિદ્યાર્થી નાપાસ થયા હતાં.
બોર્ડના આ વર્ષના પરિણામ સંબંધમાં મોટાભાગના વિદ્યાર્થીઓ
દ્વારા કહેવામાં આવ્યું કે તેમની ધારણા પ્રમાણે અને તેના કરતાં ઓછા માર્કસ મળ્યાં છે.
મતલબ કે અપેક્ષાની સામે એકંદર પરિણામ ઉંચું જાહેર થયું છે. નોંધવું રહેશે કે ગત
વર્ષે પરીક્ષા આપનાર કુલ ૧૪,૫૮૧માંથી
૧૦,૮૧૭ પાસ અને ૩,૭૬૪
વિદ્યાર્થીનાપાસ થવાથી ત્યારે પેપર ચકાસણી આકરી થયાનું માની શકાય તેમ છે. દરમિયાન
ગાંધીનગર કેન્દ્રનું પરિણામ પણ ગત વર્ષ કરતાં ૧૯.૫૦ ટકાના વધારા સાથે ૯૪.૧૦ ટકા
આવ્યુ છે. જોકે એ વાત ઉલ્લેખનિય રહેશે કે ગત વર્ષે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ
પ્રથમવાર જ બોર્ડની પરીક્ષા આપી હતી. કોરોના કાળને લઇને તેઓને ધોરણ ૧૦માં માસ
પ્રમોશન આપવામાં આવ્યુ હતું. તેની સાથે જ આ બાળકોએ લાંબા સમય સુધી ઓનલાઇન અભ્યાસ
કરવાનો આવ્યો હતો. પરિણામે શૈક્ષણિક કાર્ય પર વ્યાપક માઠી અસર આવી હતી અને તેનો
પડઘો રાજ્યના અને ગાંધીનગરના આ વખતના પરિણામમાં પણ પડયો હતો. આગળના વર્ષે આવેલા
નીચા પરિણામ પાછળ કોરોનાનું કારણ અને અઘરા પેપર તથા સખ્ત ચકાસણી રહ્યા હતાં. તેની
સામે આ વર્ષે પેપર ચકાસણી પણ હકારાત્મક ભાવથી કરવામાં આવતાં પરિણામ ઉંચું રહ્યુ
હતું. આ સંજોગોમાં બોર્ડના પેપર સેટર્સ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના
વિદ્યાર્થીઓ માટે દરેક વિષયના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા તે એકંદરે સરળ અને
સરેરાશ રહેવાના કારણે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સરળ રહી હતી અને તેના પ્રત્યાઘાત
પરિણામમાં પણ જોવામાં આવ્યા છે.