ઓનલાઇન ફી ભરવાનું કહી શિક્ષકના ખાતામાંથી 92 હજાર ઉપાડી લીધા!

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ઓનલાઇન ફી ભરવાનું કહી શિક્ષકના ખાતામાંથી 92 હજાર ઉપાડી લીધા! 1 - image


સાયબર ગઠિયાઓનો આતંક યથાવત

આર્મી જવાનની ઓળખ આપી ઓટીપી મોકલીને રૃપિયા ટ્રાન્સફર કર્યા : પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે સેક્ટર ૨૪માં રહેતા શિક્ષકને ક્લાસીસમાં પુત્રની ટયુશન ફી ભરવાનું હોવાનું કહી આર્મી જવાની ઓળખ આપી ગઠીયાએ ઓટીપી મોકલીને શિક્ષકના ખાતામાંથી ૯૨ હજાર રૃપિયા ઉપાડી લીધા હતા. જે સંદર્ભ ગાંધીનગર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ઓનલાઇનના યુગમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ વખતે આર્મી જવાની ઓળખ આપીને શિક્ષકને છેતરવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરની સેક્ટર - ૨૪ શ્રીનગર સોસાયટીમાં રહેતાં પંકજભાઈ ખેમાભાઈ પરમાર દહેગામના હિલોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પંકજભાઈના સાળા નિલકંઠનાં મોબાઇલ ઉપર કોઈ અજાણ્યા વિદ્યાર્થીના પિતાએ ફોન કરીને કહ્યું હતું કે, તમારા ક્લાસીસમાં મારા દીકરાને કોમ્પ્યુટર શીખવા આવવાનું છે. હું આર્મીમાં હોવ રૃબરૃ આવી શકું એમ નહીં હોવાથી ગૂગલપે થી ફી ભરી દેવા માંગુ છે.ત્યારબાદ નિલકંઠ તેના કામે જતો રહ્યો હતો અને બપોરના પંકજભાઈ તેમના સાળાના ઘરે સેકટર - ૨૯માં ગયા હતા. તે વખતે ફરીથી આર્મી ઓફીસરે તેમના સાળાને ફોન કરી ગૂગલ પે ચાલુ કરવાનું કહ્યું હતું. જો કે નિલકંઠ ગૂગલ પે વાપરતો નહીં હોવાથી તેણે પંકજભાઈનો નંબર આપી દીધો હતો. જેની દસ મિનિટ પછી પંકજભાઈના નંબર પર ફોન કરીને આર્મી ઓફિસરે આર્મીમાં ફી ભરવાની સિસ્ટમ અલગ હોવાનું કહી એક રૃપિયો ખાતામાં જમા કરાવ્યો હતો.બાદમાં તેણે મોકલેલ એક ઓટીપી પંકજભાઈ પાસેથી મેળવી લીધો હતો. ત્યારબાદ તબક્કાવાર કુલ ૯૨ હજાર પંકજભાઈના ખાતામાંથી ઉપડી ગયા હતા. જેનાં પગલે તેમણે સાયબર સેલમાં ઓનલાઇન અરજી કરી હતી. જો કે, આજદિન સુધી રૃપિયા પરત નહીં મળતા આખરે સેકટર - ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News