પૂરગ્રસ્ત ૬ વોર્ડમાં સફાઈની ૯૦ ટકા કામગીરી પૂરી કરી
સફાઈના બે રાઉન્ડ પછી પણ લોકો પુરથી બગડેલો સામાન બહાર ફેંકી રહ્યા છે
વડોદરા,વડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ શહેરમાં પાણી ઓસરતાં ગંદકીના સામ્રાજ્ય વ્યાપી જતાં વડોદરા કોર્પોરેશન દ્વારા યુધ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૃ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૯૦ ટકા સફાઈકાર્ય પૂર્ણ થયું છે.
કોર્પો.ની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીના કહેવા મુજબ વોર્ડ નં.૨, ૩, ૭, ૧૨, ૧૮ અને ૧૯ એટલે કે ન્યુસમા, છાણી, હરણી, ફતેગંજ, સ્ટેશન વિસ્તાર, કારેલીબાગ, અકોટા, વેમાલી, પરશુરામ ભઠ્ઠા, વડસર, કલાલી, માંજલપુર, સુશેન, તરસાલી, કપુરાઈ, સફાઈના બે વાર રાઉન્ડ પૂરા થઈ ગયા છે.
સફાઈ કામગીરી બાદ પણ લોકો પોતાના ઘરમાં પૂરનાં પાણીથી નુકસાન પામેલી ઘરવખરી, કપડાં વગેરે બહાર રોડ પર ફેંકે છે અને તે ઉપાડી લેવામાં આવે છે. લોકો ડોર ટુ ડોરની ગાડીઓમાં આ કચરો નાખતા નથી. વડોદરાની સાતે સાથે અમદાવાદ અને સુરતની સફાઈ ટીમ કામગીરીમાં જોડાઈ છે. જેઓને લોડર, જેસીબી, ટ્રેકટર સહિતના સાધનો અપાયા છે. જે કચરો એકત્રિત થાય છે તે અટલાદરા ડમ્પિંગ સાઈટ ઠાલવવામાં આવે છે.
આ સિવાય બાકીના વોર્ડોમાં પણ ૯૦ ટકા સફાઈકામ પૂરું થયું છે અને રાત્રિના સમયે ઢગલાં ઊઠાવી લેવાય છે.