એમ.એસ.યુનિ.ના ગ્રાફિક્સ વિભાગ ખાતે ચાર દેશોના ૯ કલાકારોનું ચિત્ર પ્રદર્શન યોજાયું
કલાકારોએ ૧૦ દિવસ શહેરમાં રહીને ઐતિહાસિક ઈમારતો અને જીવનશૈલીને ચિત્રમાં કંડારી
વડોદરા, તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ દેશોમાંથી ૭૫ સિનિયર કલાકારો ભારતમાં આવ્યા છે. જેમાંથી રશિયા, યુક્રેન, થાઈલેન્ડના ૯ કલાકારો વડોદરામાં ૧૦ દિવસ રોકાયા હતા. દરમિયાન તેઓએ શહેરની ઐતિહાસિક ઈમારતો, જીવનશૈલી તેમજ કુદરતી સૌંદર્યને નિહાળીને પોતાના ચિત્રમાં કંડાર્યું હતુ. જેનું પ્રદર્શન એમ.એસ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યું હતું.
ચિત્રના માધ્યમથી ઐતિહાસિક વારસાની જાળવણી તેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે હેતુથી ભારતીય એમ્બેસી અને રશિયન સેન્ટર ફોર સાયન્સ અને કલ્ચરના સંયુક્ત ઉપક્રમે 'આર્ટ ઈકો-૨૦૧૯-૨૦' નું આયોજન કરાયું હતું. જેની શરુઆત ડિસેમ્બરમાં થઈ હતી અને તા.૨૯ ફેબુ્ર.ના રોજ ઈવેન્ટનો અંતિમ દિવસ છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા રશિયા, થાઈલેન્ડ, યુક્રેન, ઈટલી, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્વીડન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત ૨૦ દેશોના ૭૫ કલાકારો આવ્યા છે. ૯ કલાકારોેએ તળાવની આજુબાજુના વિસ્તારો, ગામડાની સંસ્કૃતિ, ઘરો, સૂરસાગર, એમ.એસ.યુનિ. વગેરેને ચિત્રમાં દોર્યા હતા.