વડોદરા જિલ્લામાં 9 ધન્વંતરી રથની ફાળવણી કરાઈ
- પાદરા, કરજણ અને ડભોઈ તાલુકામાં બાંધકામ સાઈટો પર કામ કરતા શ્રમિકો માટે ત્રણ ધન્વંતરી રથ રવાના કર્યા
વડોદરા,તા.6 જાન્યુઆરી 2023,શુક્રવાર
હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં બાંધકામ શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે ૬ ધન્વંતરી આરોગ્ય રથો કાર્યરત છે, જેમાં વધુ ૩ નવા ધન્વંતરી આરોગ્ય રથનો ઉમેરો થતા હવે કુલ ૯ રથ કાર્યરત રહેશે. ગઈકાલ આ ત્રણ રથ પાદરા,કરજણ અને ડભોઈ તાલુકામાં બાંધકામ સાઈટો પર કામ કરતા શ્રમિકો માટે રવાના કરવામાં આવ્યા હતા.
આ ધન્વંતરી રથ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી, આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડશે. રથના માધ્યમથી શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન તેમજ તબીબી સેવાઓ નિશૂલ્ક પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ શ્રમિકોને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ-નિર્માણ કાર્ડ ઈ-શ્રમ કાર્ડ, આભા કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તાવ, ઝાડા, ઉલટી અને સામાન્ય રોગોની સારવાર, પ્રેગનન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે.