૯.૦૬ લાખના દારૃના કેસની તપાસ માંજલપુર પોલીસને સોંપાઇ
દારૃના ધંધા માટે નાણાંકીય મદદ કરનારની શોધખોળ કરતી પોલીસ
વડોદરા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાઘોડિયા રોડ પરથી ૯.૦૬ લાખનો દારૃનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓના મોબાઇલ ફોનની કોલ ડિટેલની તપાસ કરવામાં આવે તો આરોપીઓની કોની સાથે સાંઠગાંઠ હતી. તે જાણી શકાય તેમ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે નુર્મ આવાસ યોજનાના મકાનમાં રહેતા બૂટલેગર ભાવેશ ચંદ્રકાંત રાજપૂતની ત્યાં રેડ પાડીને ૯.૦૬ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે (૧) ભાવેશ રાજપૂત (૨) નીરવ ભરતભાઈ પટેલ (રહે.વિશ્વકર્મા ગાંધી કુટીર, વાઘોડિયા રોડ) (૩) કેતન જીતેન્દ્રભાઈ રાણા (રહે. આશાપુરી નગર, વડોદરા) (૪) આતિશ વિનોદભાઈ ઠાકોર (રહે. જય નારાયણ નગર, પ્રતાપ નગર, વડોદરા) તથા (૫) જયેશ ઈશ્વરભાઈ કહાર (રહે. નુર્મ આવાસ યોજનાના મકાનમાં, વડોદરા) ને ઝડપી પાડયા હતા. જ્યારે બાબુ, બાબુનો મિત્ર પ્રવિણ, બાબુનો અન્ય એક મિત્ર, બળદેવસિંહ જાટ, દારૃ ભરેલો ટેમ્પો લઇને આવનાર ડ્રાઇવર તથા ટેમ્પાના માલિક તેમજ આતિશ ઠાકોર, કેતન ઉર્ફે માંજરો, શંભુ તથા જાડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ માંજલપુર પોલીસને સોંપવામાં આવી છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપીઓને દારૃના ધંધા માટે નાણાંકીય મદદ કરનારને શોધવાના છે.