વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં 89 કરોડના કામો : CCTV ટ્રાફિક સિગ્નલ પાછળ રૂ.24 કરોડનો ખર્ચ

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં 89 કરોડના કામો : CCTV ટ્રાફિક સિગ્નલ પાછળ રૂ.24 કરોડનો ખર્ચ 1 - image

વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં ફરી એકવાર 89.96 કરોડના વિકાસના કામો રજૂ થયા છે જેમાં ફરી એકવાર વધુ ભાવના કેટલાક ટેન્ડરો આવ્યા છે તો કેટલાક કેન્દ્રો ઓછા ભાવના રજૂ થતા વિવાદ સર્જાયો છે.

લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે અને આગામી તારીખ 10મી માર્ચ સુધીમાં આચારસંહિતા લાગી શકે તેવી શક્યતા રહેલી છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામોને ઝડપથી મંજૂરી આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વિકાસના કામો સ્થાયી સમિતિમાં મોકલી રહ્યા છે ત્યારે હવે ભાજપની સંકલન સમિતિ પણ  તમામ કામો ઝડપથી મંજૂર કરી રહ્યા છે તેવે સમયે ફરી એકવાર સ્થાયી સમિતિમાં વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા છે જેમાં કેટલાક કામો વધુ ભાવના રજૂ થયા છે તો કેટલાક કામો ઓછા ભાવના રજુ થતા વિવાદ સર્જાયો છે.

સ્થાયી સમિતિમાં રજૂ થયેલા કામોમાં પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન વિસ્તારમાં વાર્ષિક ઇજારાથી રૂ.16 કરોડની મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પેવર બ્લોક થી પેવિંગ કરવાનું કામ રજૂ થયું છે.

વડોદરા શહેરના ડભોઈ રોડ તરસાલી નવીન સમાવિષ્ટ વિસ્તાર પૂર્વજોન પ્રેમદાસ હોસ્પિટલ થી ઓડનગર સુધી તેમજ રાજીવ નગર એસ ટી પી થી નાડા સુધી ડ્રેનેજ અને વરસાદી ગટર નાખવાના ચાર કામ રૂ. 23.14 કરોડના ખર્ચે થશે.

ગોત્રી ટીપી 61 માં ફૂડ સ્ટોલ એન્ડ ગેમ એરીયા બનાવવા પાછળ રૂ.પાંચ કરોડ અને શહેરના વિવિધ 15 કલ્ચરના રેસ્ટોરેશન ની કામગીરી પાછળ રૂ. 1.10 કરોડનો ખર્ચ થશે.

વડોદરા શહેરના જુદા જુદા જંકશનનો ખાતે નવીન ટ્રાફિક સિગ્નલ ઉભા કરવાનું તથા જુના ટ્રાફિક સિગ્નલ અપગ્રેડ કરવા અને પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ કરવા પાછળ રૂપિયા 12.34 કરોડનો ખર્ચ થશે જ્યારે વડોદરા શહેરમાં સ્પેશિયલ આસિસ્ટન્ટ સ્વર્ણિમ ગ્રાન્ટ 11 કરોડ અને સંસદ સભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા એક કરોડ મળી રૂપિયા 12 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે.

પાણી પુરવઠા વિભાગ હસ્તકની જાણી ટાંકી તથા માંજલપુર ટાંકી ખાતે પંપીંગ મશીનરી નું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ પાછળ રૂપિયા સાડા ચાર કરોડ નો ખર્ચ થશે તદુપરાંત રાયકા ફ્રેન્ચવેલ અને દોડકા ફ્રેન્ચવેલ ખાતે પાણીની અછતને પહોંચી શકાય તે માટે 14 ઇંચ ડાયામીટર ના કુલ 12 નવા ટ્યુબવેલ બનાવવાની કામગીરી પાછળ રૂપિયા 3.10 કરોડ નો ખર્ચ થશે

વડોદરાના અટલાદરા ગાજરાવાડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની સૂચના મુજબ ક્લોરીનેશન પ્લાન્ટ લગાવવા પાછળ રૂ.6.36 કરોડ ખર્ચ થશે.


Google NewsGoogle News