વડોદરામાં પૂરના સંકટ સહિત સૌથી મોટી ભૂવાની સમસ્યાઓ અંગે પણ તંત્ર વિચારે! જુઓ આંકડા
૮૪ ભૂવાને પૂરવા માટે ૩ હજાર ટ્રક ભરી માટી નંખાઇ હોવાનો તંત્રનો દાવો
Vadodara News | વડોદરા શહેરમાં પૂર બાદ પડેલા 88 ભૂવાઓ પૂરવા માટે ત્રણ હજાર જેટલા ડમ્પર ભરીને માટી નાખવામાં આવી છે. જો કે શહેરના માર્ગો પર પડેલા અનેક ભૂવાઓ હજી પણ પૂરાયા નથી.વડોદરા શહેરમાં જૂની ગટર લાઇનો આરસીસીની બનેલી છે. વરસાદી પાણી સાથે તેમાં કચરો ઉપરાંત માટી જવાથી શિલ્ટિંગ થાય છે. જે સ્થળે શિલ્ટિંગ ભરાયું હોય ત્યાં વરસાદી પાણી રોકાઇ રહે છે અને પાણીનું પ્રેશર વધે છે.
વરસાદી પાણી જૂની લાઇન તોડીને બહાર આવે છે. એના કારણે આ ભૂવા પડે છે. આ ભૂવાનું પૂરાણ કરવા માટે પહેલા ગટર લાઇનને રિપેર કરે છે. મશીનોનો ઉપયોગ કરી કચરો, માટી કાઢવામાં આવે છે. બાદમાં જૂની ગટર લાઇનને રિપેર કરવા માટે લોખંડની મોટી પાઇપ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. જેને એમએસ શેલ કહેવામાં આવે છે. ગટર લાઇનનું જોડાણ કરીને તેમાં સિમેન્ટ અને કોંક્રિટ નાખવામાં આવે છે. તેને થોડો સમય સૂકાવા દેવામાં આવે છે. બાદમાં માટી નાખી પૂરાણ કરવામાં આવે છે.
વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ 88 ભૂવા પડયા હતા. આ પૈકી 84 ભૂવાને વડોદરા મહાપાલિકા દ્વારા દુરસ્ત કરવામાં આવ્યા છે. બાકીના 4 ભૂવાનું રિપેરિંગ કામ ચાલું છે. ઉલ્લેખનીય છે કે શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મંદિરની બિલકુલ બહાર જ મુખ્ય રોડ પર મોટો ભૂવો ઘણા સમયથી પડયો છે જો કે આ ભૂવાનું રિપેરિંગ કામ ક્યારે પૂરુ થશે અને લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાંથી ક્યારે મુક્તિ મળશે તે નિશ્ચિત નથી.