Get The App

કરજણની કંપની સાથે રૃા.૮૭.૮૫ લાખની સાયબર ઠગાઇમાં એકની ધરપકડ

મુંબઇ રહેતા અને બેકરીમાં કામ કરતા મન્ટુસિંહને ૩.૨૦ લાખ મળ્યા હતાં ઃ તા.૨ સુધી રિમાન્ડ

Updated: Apr 29th, 2023


Google News
Google News
કરજણની કંપની સાથે રૃા.૮૭.૮૫ લાખની સાયબર ઠગાઇમાં એકની ધરપકડ 1 - image

, તા.29 કરજણ તાલુકામાં આવેલી કંપનીના સ્વિત્ઝરલેન્ડ ગયેલા એમડીના પર્સનલ મોબાઇલ નંબરના નામે વોટ્સઅપ પર મેસેજ કરી કંપનીના એકાઉન્ટ અને ફાઇનાન્સના જનરલ મેનેજર પાસે વિવિધ ખાતામાં ઓનલાઇન રૃા.૮૭.૮૫ લાખ જમા કરાવી છેતરપિંડી કરતા ભેજાબાજો પૈકી એકને મુંબઇ ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો હતો.

કરજણ તાલુકાના માંગલેજ રોડ પર આવેલી પાઇપ્ડ કંપનીના સ્વિત્ઝરલેન્ડ ગયેલા એમડીના નામના ઉલ્લેખ સાથે કંપનીના એકાઉન્ટ અને ફાઇનાન્સના જનરલ મેનેજરના મોબાઇલ પર વોટ્સએપ મેસેજ આવ્યો  હતો. આ મેસેજમાં જણાવ્યું  હતું કે આ મારો પર્સનલ નંબર છે અન્ય કોઇને આપતા નહી અને હું મિટિંગમાં છું, મને કોલ ના કરતાં. અજાણ્યા નંબરના વોટ્સએપ ડીપીમાં કંપનીનો લોગો હોવાથી એમડીનો નંબર હોવાનું મેનેજરે માની લીધું હતું. બાદમાં અજાણ્યા નંબર પરથી ભેજાબાજોએ મારે પૈસાની હાલ અરજન્ટ જરૃર છે તેમ કહી આરટીજીએસથી તબક્કાવાર કુલ રૃા.૮૭.૮૫ લાખ મંગાવ્યા હતાં. 

અજાણ્યા મોબાઇલ નંબર પરથી વારંવાર પેમેન્ટની માંગણી કરતા મેનેજરને શંકા ગઇ હતી અને એમડીના નંબર પર ફોન કરી તેમને પૂછતા એમડીએ જણાવેલ કે મેં કોઇ પેમેન્ટ કરવાનું કહ્યું નથી, મોબાઇલ નંબર પણ મારો નથી તેમ જણાવતા આખરે મેનેજર સાયબર ક્રાઇમમાં જૂન-૨૦૨૨માં ફરિયાદ નોંધાવી હતી. જે તે સમયે સાયબર ક્રાઇમ દ્વારા કુલ રૃા.૮૭.૮૫ લાખ પૈકી રૃા.૫૦ લાખનું આરટીજીએસ રદ કરાવી બેંકમાં તે રકમ ફ્રિઝ કરાવી દીધી હતી.

આ કેસની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને એક ટીમે મુંબઇ જઇને મન્ટુસિંહ અચ્છેલાલ સિંહ (રહે.જોન કારવાલોચાલ, રામચન્દ્ર લેન, માલાડ વેસ્ટ, મુંબઇ મૂળ રહે.ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડયો હતો. મુંબઇમાં તે બેકરીમાં નોકરી કરતો હતો અને મુખ્ય સાયબર ઠગો વતી તે કામ કરતો હતો. છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી તેને રૃા.૩.૨૦ લાખ મળ્યા હતાં. અને જે ખાતામાં રકમ ઠગાઇથી ટ્રાન્સફર થઇ હતી તે રકમ એટીએમ તેમજ નેટબેંકિગથી વીથડ્રો થઇ હતી. પોલીસે મન્ટુસિંહને કોર્ટમાં રજૂ કરી તા.૨ સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં જ્યારે અન્ય ભેજાબાજોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



Tags :
onlinefraudfactoryonearrested

Google News
Google News