બેઠકો ઘટાડવાનું પરિણામ, MSUની કોમર્સ ફેકલ્ટીમાં ગર્લ્સ કોલેજમાં 85 અને મેઈન બિલ્ડિંગ પર 82 ટકાએ પ્રવેશ અટકયો
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષથી એફવાયની 2000 કરતા વધારે બેઠકો ઘટાડી દેવામાં આવી છે અને બીજી તરફ આ વર્ષે ધો.12 કોમર્સનું ઉંચુ પરિણામ આવ્યુ છે. જેના કારણે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત છે.
કોમર્સમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં 75 ટકાએ પ્રવેશ અટકી ગયો છે પણ કોમર્સ ફેકલ્ટીના ચાર યુનિટની વાત કરવામાં આવે તો ગર્લ્સ કોલેજ પર તો વડોદરાના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં 85 ટકાએ પ્રવેશ અટકયો છે. મેઈન બિલ્ડિંગ પર 82 ટકા સુધીના વિદ્યાર્થીઓને જ એડમિશન મળ્યુ છે. જ્યારે પાદરા કોલેજમાં 79 ટકા સુધી માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આ ત્રણે યુનિટ પર ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો છે. જેના પર સરવાળે વિદ્યાર્થીઓને ઓછી ફી ભરવાની હોય છે. કોમર્સના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર 75 ટકાએ પ્રવેશ અટકયો છે. જ્યાં હાયર પેમેન્ટ બેઠકો છે. આમ હાયર પેમેન્ટ બેઠકો પર પણ 75 ટકાથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેમ નથી. કારણકે સત્તાધીશોએ બેઠકો ઘટાડી દીધી છે. આમ વડોદરામાં ડિસ્ટિંક્શન મેળવનારા વિદ્યાર્થીઓ પણ સત્તાધીશોની વ્યવસ્થા પ્રમાણે પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા નથી.
યુનિવર્સિટી સત્તાધીશોના વલણના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે વાઈસ ચાન્સેલર અને ફેકલ્ટી ડીન બેઠકો વધારવા માટે તૈયાર નથી. આમ વડોદરાના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાઈ ગયા છે. આટલી મોટી સમસ્યા છતા પણ વડોદરાના કોર્પોરેટરોથી માંડીને ધારાસભ્યો પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આગળ આવ્યા નથી. જો કોમર્સ ફેકલ્ટી પ્રવેશ નહીં આપે તો વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોની કમરતોડ ફી ભરીને ભણવાનો વારો આવશે.
- સત્તાધીશો માનવતા અને સંવેદનશીલતા ગુમાવી ચૂકયા છે
કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે આજે સતત ત્રીજા દિવસે પણ વાલીઓએ કોમર્સ ફેકલ્ટી ખાતે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, માનવતાને ધ્યાનમાં રાખીને પણ વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવે. એક વાલીએ કહ્યું હતું કે, હું એવા બેનને ઓળખુ છું જેમણે પોતાની દીકરીને બીજાના ઘરે કામ કરીને ભણાવી છે અને તેણે ધો.12માં 52 ટકા મેળવ્યા છે. પહેલેથી ગરીબ આ પરિવારની દીકરી માટે બહારગામ જઈને કે ખાનગી કોલેજોમાં ફી ભરીને ભણવુ શક્ય નથી. યુનિવર્સિટી અને સરકારની જવાબદારી બને છે કે, આવા સ્ટુડન્ટસને ધ્યાનમાં રાખીને બેઠકો વધારે. જોકે ફેકલ્ટી ડીને વાલીઓને પણ પહેલા રાઉન્ડની બેઠકો ખાલી પડશે તો બીજા રાઉન્ડમાં પ્રવેશ અપાશે તેવુ પોકળ આશ્વાસન આપ્યુ હતુ.
- ફેકલ્ટી ડીનનું એક જ રટણ, બેઠકો વધારવી શક્ય નથી
કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયે કહ્યું હતું કે, બેઠકો વધારવી તો શક્ય નથી પણ પહેલા લિસ્ટમાં જેમના નામ છે તેમને અમે ફી ભરવા માટે દરેક યુનિટ પ્રમાણે અલગ અલગ તારીખે બોલાવ્યા છે. એ પછી જો કોઈ વિદ્યાર્થી ફી નહીં ભરે તો ખાલી પડેલી બેઠકો પર તેમને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓને જીકાસના પોર્ટલ પરથી જાણ કરવામાં આવશે.