ઇકોમર્સ વેબસાઇટ અને એપ્લીકેશન મારફતે 12 ટકા સુધીના ઊંચા વ્યાજની લાલચે 83 લોકો સાથે રૂ.3.09 કરોડની છેતરપિંડી
Image: Freepik
વડોદરા ગોરવા પોલીસ મથકમાં શુભમ ગોવિંદકુમાર અગ્રવાલ (ઉં. 31) (રહે. સત્વ સોસાયટી, રાધે બંગ્લોઝ, ગોત્રી)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, માર્કેટ સેલર નામની કંપનીમાં બ્રાન્ચ ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા. વર્ષ 2022 નિમણુંક કરવામાં આવી હતી. કંપનીના કંટ્રી હેડ જસ્મીત હરજીત સિંગ હતા અને પ્રબોધ ત્યાગી તેના પ્રોપ્રાઇટર હતા. તેઓ હાલ નોકરીની શોધમાં હોવાનું હોવાનું જણાવ્યું છે.
પોલીસ કમિશરને તાજેતરમાં ફ્રોડ અંગે અરજી કરવામાં આવી હતી. જેને અનુસંધાને તેઓ હકીકત જણાવે છે કે, માર્કેટ સેલર કંપનીની મુખ્ય ઓફિસ ડીજી વર્લ્ડ ઉપર, બ્લોક - બી, રણજીત એવન્યુ, અમૃતસર પંજાબ ખાતે આવેલી છે. જેમાં બ્રાન્ચ મેનેજર તરીકે વર્ષ 2022માં નિમણુંક કરવામાં આવી હતી. જસ્મીત હરજીત સિંગ (રહે. જ્ઞાનખંડ - 1, ઇન્દિરા પુરમ હાઉસ, સનસીટી, ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ) અને પ્રવણ સુબિધ ત્યાગી (રહે. ધનાયન, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ)એ વડોદરાની બ્રાન્ચ ઓફિસ (આઠમો માળ, મંગલા ઓસન બિલ્ડીંગ સેન્ટ્રલ સ્કવેર મોલની બાજુમાં, ગેંડા સર્કલ) માટે ભાડા કરાર કરીને માણસો રાખ્યા હતા. તેમણે પોતાની ઓળખ કંટ્રી હેડ તરીકે આપી હતી અને ઓનલાઇન ધંધો કરવાની તાલીમ આપવામાં આવી હતી. ધંધો ઓનલાઇન માર્કેટ પ્લેસના નામે થશે. તે માટે નવા વેપારીઓને શોધવા અને રોકાણ કરાવવા માટેની જાણકારી આપવાની હતી. નવા વેપારીઓને ત્રણ પ્લાન ઓરિજીનલ પ્લાન, સ્વીટ પ્લાન અને પ્રોફેશનલ પ્લાનમાં 21 કેટેગરી સમજાવવાની હતી. જે પૈકી 8 કેટેગરીના પ્રોડક્ટ ગ્રાહકોએ પસંદ કરવાની હતી. જેની માહિતી સેલર વેબસાઇટ પર ઓનલાઇન જોઇ શકાતી હતી. તેમાં વેપારીઓને રોકાણ કરવા સમજાવવાનું હતું. પહેલો ઓફલાઇન ધંધો કરવા માટે સમજાવેલું, તેમાં કોઇએ કંપનીમાં કોરાણ કરવું હોય તો બે તબક્કામાં કરી શકે તેમ હતું. પ્રથમ તબક્કામાં 28 - 32 દિવસમાં 6 ટકા નફો અને બીજા તબક્કામાં 45 - 48 દિવસમાં 12 ટકા નફો મળે.
આ રૂપિયાથી માર્કેટ સેલર કંપની પાસેથી પ્રોડક્ટ જથ્થામાં લઇ તેને ઇકોમર્સ વેબસાઇટ અને એપ્લીકેશન પર વેચાણ કરવાનું અને તેના પર નફો મળે કે ન મળે રોકાણ કરેલા રૂપિયા તેમજ નફો મુડી સાથે આપવામાં આવનાર હતો. મે - 2022થી ગ્રાહકોને રોકાણ કરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 11 એજન્ટ થકી કુલ 83 લોકોએ નાનું મોટું રોકાણ કર્યું હતું. જેની રકમ કુલ રૂ. 3.09 કરોડ થવા પામે છે. કંપની સંચાલકોએ લોકોની મહેનતના પૈસા લીધા બાદ પૈસા કે વ્યાજ પરત નહિ આપતા આખરે જસ્મીત હરજીત સિંગ (રહે. જ્ઞાનખંડ - 1, ઇન્દિરા પુરમ હાઉસ, સનસીટી, ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ) અને પ્રવણ સુબિધ ત્યાગી (રહે. ધનાયન, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.