વડોદરા જિલ્લા પંચાયતને ચોમાસામાં જર્જરિત સ્કૂલોની ચિંતા થઇ,256 સ્કૂલોના 805 ઓરડા જર્જરિત,યાદી મંગાવી
|
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સંચાલિત અનેક પ્રાથમિક સ્કૂલોમાં ચોમાસા દરમિયાન પાણી ટપકે છે અને નદી,તળાવ કે કોતરોના પાણી ભરાઇ જતા હોય છે.કેટલીક સ્કૂલો અત્યંત જર્જરિત અવસ્થામાં છે તો કેટલીક સ્કૂલોના ઓરડા જર્જરિત હાલતમાં છે.
આખા વર્ષ દરમિયાન આવી જર્જરિત સ્કૂલો માટે રીપેરિંગ કામ કરવાને બદલે ચોમાસું આવી ગયું છતાં હજી સમારકામ માટે રાહ જોવાઇ રહી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રહી રહીને જાગ્યા છે અને તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી જુદાજુદા તાલુકાની કુલ ૨૫૬ સ્કૂલોના ૮૦૫ જર્જરિત ઓરડાની યાદી મોકલી છે.
શિક્ષણાધિકારીએ તાલુકા કક્ષાના અધિકારીઓને યાદીમાં રહી જતી હોય તેવી જર્જરિત સ્કૂલો અને ઓરડાની માહિતીની દરખાસ્ત સાત દિવસમાં મોકલવા સૂચના આપી છે.જેથી જેમ બને તેમ જલ્દી સ્કૂલોનું રીપેરિંગ કામ હાથ ધરાય.આમ,જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના નેતાએ મુદ્દો ઉઠાવ્યા બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ જાગ્યા છે અને જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઇ જવું જોઇએ તે કામ ભર વરસાદે હાથ લેવાયું છે.
જર્જરિત સ્કૂલોના 68 ઓરડા તોડયા, 33 સ્કૂલોમાં બે પાળી પધ્ધતિ કરવી પડી
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોના અંધેર વહીવટનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે.
જર્જરિત સ્કૂલોના ઓરડા તોડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ૬૮ સ્કૂલોના ઓરડા તોડી પાડવામાં આવ્યા છે.જ્યારે બાકીના ૭૫૦ જેટલા ઓરડા હજી તોડવાના બાકી છે.
આ દરમિયાન વડુના જિલ્લા પંચાયતના સિનિયર સદસ્યએ માંગેલી માહિતીમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે કહ્યું છે કે,૬૮ ઓરડા તૂટવાને કારણે ૩૩ સ્કૂલોમાં બે પાળી પધ્ધતિથી શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વરસાદી માહોલ વચ્ચે તાલુકાના અધિકારીઓને જર્જરિત સ્કૂલોના ઓરડા હોય ત્યાં તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના આપી છે.