એફવાયબીકોમના 800 વિદ્યાર્થીઓએ હજી વિષય પસંદગી કરી નથી, પરીક્ષા નહીં આપી શકે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનુ શિક્ષણ કાર્ય વિલંબથી ચાલી રહ્યુ છે અને તેના કારણે ફેકલ્ટી સત્તાધીશોએ પહેલા વર્ષના વિદ્યાર્થીઓના બીજા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા ભર ઉનાળે અને તે પણ વેકેશનમાં લેશે.તા.૧૪ મેથી ૨૧ મે સુધી એફવાયના વિદ્યાર્થીઓ ઈન્ટરનલ પરીક્ષા આપશે.
જોકે આ પરીક્ષા પહેલા પણ વિદ્યાર્થીઓની વિષય પસંદગી કરવામાં આળસ સત્તાધીશો માટે માથાનો દુખાવો બની છે.મળતી વિગતો પ્રમાણે એફવાયના ૬૦૦૦ વિદ્યાર્થીઓમાંથી હજી ૮૦૦ વિદ્યાર્થીઓએ વેલ્યુ એડેડ કોર્સની પસંદગી કરવાની બાકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવી શિક્ષણ નીતિ પ્રમાણે બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ એક વેલ્યુ એડેડ કોર્સનો અભ્યાસ કરવાના છે.આ માટે વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે.ઈન્ટરનલ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ પોતાના સ્ટુડન્ટ એકાઉન્ટમાં જઈને કોઈ એક વિષયની ઓનલાઈન પસંદગી કરવી જરુરી છે.સત્તાધીશોએ આ માટે વિદ્યાર્થીઓને તા.૪ મે સુધીનો સમય આપ્યો છે પણ હજી ૮૦૦ વિદ્યાર્થીઓએ વિષય પસંદગી નથી કરી.
જો વિદ્યાર્થીઓ તા.૪ મે સુધીમાં વિષય પસંદગી નહીં કરે તો તા.૧૪ મેથી શરુ થનારી પરીક્ષામાં તેઓ નહીં બેસી શકે.કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયનુ કહેવુ છે કે, આ વિદ્યાર્થીઓની જૂન મહિનાના પ્રારંભમાં ફરી ઈન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે.જોકે તે પહેલા તેમણે વિષય પસંદગી કરવાની રહેશે અને આ પરીક્ષા જે વિદ્યાર્થીઓ નહીંં આપી શકે તેમને એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.