ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સિનિયર સિટિઝનોને બ્લેકમેલ કરતી મેવાતી ગેંગનો લાખોનો કારોબારઃબીજા 8 રેકોર્ડિંગ મળ્યા
વડોદરાઃ સિનિયર સિટિઝનો તેમજ યુવકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ તેમના મોર્ફ કરેલા વીડિયોવાયર કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા રાજસ્થાનના મેવાતી ગેંગના બે ભાઇઓની રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પોલીસને પ્રાપ્ત થઇ છે.
યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મીઠી વાતોમાં તેમજ ડાઉનલોડ કરેલા ન્યૂડ વીડિયો બતાવી સિનિયર સિટિઝન કે અન્ય લોકોના મોર્ફ કરેલા વીડિયો બનાવીને છેતરપિંડી કરવાના બનાવમાં વડોદરા સાયબર સેલે રાજસ્થાનના દૌસા જિલ્લાના કોટ ગામના સાજીદ અને માજીદ નામના બે ભાઇઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે.
એસીપી હાર્દિક માંકડિયાએ કહ્યું હતું કે, બંને ભાઇઓ કમિશનથી લીધેલા બેન્ક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતા હતા તેમજ ડમી સિમકાર્ડ મેળવી લોકોને ઠગતા હતા.જેથી બેન્ક એકાઉન્ટ હોલ્ડર અને સિમકાર્ડ હોલ્ડરની પણ ધરપકડ કરવામાં આવશે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે,ઠગ ગેંગ દ્વારા ભાડે લીધેલા બેન્ક એકાઉન્ટ થોડો સમય ઉપયોગ કર્યા બાદ બદલી નાંખવામાં આવતા હોય છે.કોટ ગામના સંખ્યાબંધ યુવકો ઠગાઇ કરવામાં વ્યસ્ત હોવાની પણ માહિતી જાણવા મળી છે.
પોલીસે બંને ઠગ ભાઇઓ પાસેથી પાંચ મોબાઇલ કબજે કર્યા છે અને તેમાં બીજા આઠ રેકોર્ડિંગ મળ્યા છે.જેથી તેઓ બીજા આઠ લોકોને બ્લેકમેલ કરતા હોવાની આશંકા સેવાઇ રહી છે.
ઠગોથી સાવધ રહેવા સાયબર સેલની ટિપ્સ..અજાણ્યા વીડિયો કોલ્સ ન લો
સાયબર સેલ દ્વારા ઓનલાઇન ઠગોથી સાવધ રહેવા માટે વારંવાર સેમિનાર કરી સૂચનો કરવામાં આવતા હોય છે.જે પૈકી કેટલીક ટિપ્સ આ મુજબ છે.
- અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહિં
- શક્ય હોય તો ફ્રેન્ડ લિસ્ટ અને પ્રોફાઇલ ફોટો પ્રાઇવેટ રાખવા.
- સોશ્યલ મીડિયા પર ટૂંકી મિત્રતામાં મોબાઇલ નંબર,વોટ્સએપ નંબર જેવી માહિતી જાહેર ન કરવી.
- અજાણ્યા વોટ્સએપ કોલ્સ ન લેવા.
- કોઇ વ્યક્તિ ન્યૂડ ફોટા કે વીડિયો બતાવી બ્લેકમેલ કરે તો રૃપિયા આપવા નહિં અને પોલીસને જાણ કરવી.
- કોઇ પણ સાયબર સેલનો ભોગ બનો તો સૌથી પહેલાં ૧૯૩૦ નંબર પર કોલ કરવો.
ઠગાઇ માટે પહેલી પસંદગી સિનિયર સિટિઝનની રહેતી હતી
ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગની ઠગાઇ કરવાની પધ્ધતિ અંગે વડોદરા સાયબર સેલ દ્વારા કેટલીક વિગતો તપાસવામાં આવી છે.જે જોતાં ઠગાઇ કરવા માટે ગઠિયાઓની પહેલી પસંદ સિનિયર સિટિઝન હોય છે.જે લોકો પરિવાર અને સમાજમાં પ્રતિષ્ઠાને કારણે શરણાગતિ સ્વીકારી લેતા હોય છે.