જીસેટ પરીક્ષા માટે ૧૧ કેન્દ્રો પર ઉમેદવારોની ૭૯ ટકા હાજરી નોધાઈ
વડોદરાઃ રાજ્યમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપકની નોકરી માટે જરુરી અને નેટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષાના વિકલ્પ તરીકે લેવાતી જીસેટ(ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ)પરીક્ષા આજે લેવામાં આવી હતી.
રાજ્યમાં અચાનક હવામાનમાં આવેલા પલટાના અને ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદ પછી પણ પરીક્ષા માટે નોંધાયેલા કુલ ૪૪૮૩૯ ઉમેદવારો પૈકી ૩૫૨૮૫એ પરીક્ષા આપી હતી.આમ જીસેટ પરીક્ષા માટે આજે ૭૯ ટકા હાજરી નોંધાઈ હતી.
કુલ મળીને ૧૧ કેન્દ્રો પર આજે પરીક્ષા લેવામાં આવી હતી અને આ પૈકી વલ્લભ વિદ્યાનગરના કેન્દ્ર પર સૌથી વધારે ૮૬ ટકા હાજરી નોંધાઈ હતી.જ્યારે સૌથી ઓછા ૭૩ ટકા ઉમેદવારોએ અમદાવાદ કેન્દ્ર પર પરીક્ષા આપી હતી.
જીસેટ પરીક્ષાનુ સંચાલન એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કરાય છે.વડોદરાના ઉમેદવારોની પરીક્ષા એમ.એસ.યુનિર્સિટીમાં લેવામાં આવી હતી.જેના પર ન ોંધાયેલા ૩૭૭૭ ઉમેદવારો પૈકી ૨૯૧૭ ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા.આજે કુલ મળીને ૩૬ પેપરો માટે પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં આ વર્ષે ઉમેરવામાં આવેલા નવા આઠ પેપરોનો પણ સમાવેશ થતો હતો.
દરેક કેન્દ્ર પ્રમાણે ઉમેદવારોની વાત કરવામાં આવે તો વડોદરા સિવાય અમદાવાદમાં ૬૭૯૫, રાજકોટમાં ૩૩૫૧, સુરતમાં ૬૦૬૫, પાટણમાં ૩૬૦૩, ભાવનગરમાં ૧૫૨૭, વિદ્યાનગરમાં ૨૪૨૦, ગોધરામાં ૨૦૮૮, જુનાગઢમાં ૨૦૧૨ , વલસાડમાં ૩૩૮૭ અને ભૂજમાં ૧૧૫૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
જીએસ પરીક્ષાનુ પરિણામ એક મહિના બાદ જાહેર કરવામાં આવશે તેમ પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યુ હતુ.