Get The App

૭૮૮ વૃધ્ધ, અશકત અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
૭૮૮ વૃધ્ધ, અશકત અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું 1 - image

વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તા.૭ મેના રોજ મતદાન થવાનુ છે પણ વડોદરા શહેર અને જિલ્લાના ૭૮૮ જેટલા મતદારોએ આજે ઘરે બેઠા મતદાન કર્યુ હતુ.

ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ, વૃધ્ધ અને અશક્ત મતદારોને ઘરે બેઠા મતદાનની સુવિધા આપવામાં આવે છે.આ માટે મતદારોએ નિયમ ફોર્મ ભરવાનુ હોય છે.વડોદરા લોકસભા મત વિસ્તારના ૮૫ વર્ષ કરતા વધારે વયના ૮૭૩ મતદારો, ૨૫ દિવ્યાંગ મતદારો અને બીજા ૩૫ અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ અરજી કરી હતી.

વડોદરા લોકસભા હેઠળના ૧૦ વિધાનસભા મત વિસ્તારોમાંથી કુલ ૧૧૬૩ નાગરિકો પાસેથી મતદાન માટે અરજીઓ મળ્યા બાદ આજે તંત્ર દ્વારા વિવિધ ટીમોને મતદારોના ઘરે મોકલવામાં આવી હતી.જે રીતે મતદાન મથકમાં વોટિંગ થાય છે તે જ રીતે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવીને  આ મતદારોને ઘરે બેઠા મતદાન કરવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.જેમાં વાઘોડિયા રોડ પર બાપોદ જકાતનાકા વિસ્તારની હરિઓમ સોસાયટીમાં રહેતા ૯૮ વર્ષીય મણીબેન પ્રભુદાસ પટેલનો પણ સમાવેશ થતો હતો.

આ પહેલા વડોદરા જિલ્લામાં મતદાર તરીકે સામેલ ૬૧૯ સૈનિકોને પણ તંત્ર દ્વારા આર્મીની રેકોર્ડ ઓફિસ મારફતે ઓનલાઈન બેલેટ પેપર મોકલવામાં આવ્યા છે.વડોદરા બેઠક પર ૬૧૯ સૈનિકો વોટર તરીકે નોંધાયેલા છે.દેશની રક્ષા કરતા આ સૈનિકો મતદાનથી વંચિત ના રહી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તેમને ઓનલાઈન બેલેટ પેપર મોકલવામાં આવે છે.પહેલા પોસ્ટથી બેલેટ પેપર મોકલવામાં આવતા અને તેના કારણે કેટલીક વખત બેલેટ પેપર મોડા પહોંચતા હતા.તેથી હવે ચૂંટણી પઁચ ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમથી સૈનિકોને ઓનલાઈન બેલેટ પેપર મોકલી આપે છે.આ સિસ્ટમમાં મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તેનુ ધ્યાન રાખવામાં આવે છે.



Google NewsGoogle News