વડોદરામાં આંતરમાળખાકીય કામો કરવા માટે ૭૫૫ કરોડ ગ્રાંટ ફાળવી
આઉટ ગ્રોથ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, ગટર, લાઈટ, રોડના ૬૮ કરોડના કામો થશે
વડોદરા,સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાના ૫૦૨ કામો માટે ૧૬૬૪ કરોડની ફાળવણી કરાઈ છે, જેમાં વડોદરા માટે ૩૭૦ કામો માટે ૭૫૫.૯૬ કરોડ ફાળવાયા છે.
વડોદરા કોર્પોરેશન માટે આઉટગ્રોથ વિસ્તારના ૫૦ કામો માટે ૬૮.૦૪ કરોડ ફાળવવા મંજૂરી અપાઈ છે. જેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટર, રોડ, સ્ટ્રીટલાઈટના કામો કરવા ઉપરાંત ચારેય ઝોનમાં પણ આંતરમાળખાકીય કામો કરવામાં આવશે.
વડોદરામાં બિલ્ડીંગ પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગટર, વરસાદી ગટર, બિલ્ડિંગ અને બ્રિજ પ્રોજેક્ટ, પાર્કસ એન્ડ ગાર્ડન, સ્ટ્રીટલાઈટ, પાણી વગેરેના અંતર માળખાકીય કામો કરવામાં આવશે.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્તો મૂકવામાં આવી હતી, જે મંજૂર કરાઈ હતી. સુરતમાં ૬ ફ્લાઈ ઓવરબ્રિજ માટે ૩૮૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.