Get The App

વડોદરામાં પૂર માટે જવાબદાર વિશ્વામિત્રીમાંથી ૭૦૭૦ ટન કચરો કાઢ્યો

નદીની જળ વહન ક્ષમતા કરતા વધારે પાણીનો જથ્થો નદીમાંથી પૂર દરમિયાન વહ્યો હતો

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પૂર માટે જવાબદાર વિશ્વામિત્રીમાંથી ૭૦૭૦ ટન કચરો કાઢ્યો 1 - image

વડોદરા, તા.૧૬ વડોદરામાં આવેલા પૂર માટે નિમિત્ત બનેલી વિશ્વામિત્રી નદી તરફ તંત્રનું ધ્યાન હવે ગયું છે. નદી કાંઠે નાના-મોટા અનેક દબાણો દૂર કરવાના બદલે હવે નદીમાંથી પાણીનો પ્રવાહ સરળતાથી વહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીના બંને કાંઠે વર્ટિકલ સફાઇ કરીને ૭૦૭૦ ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે.

પાવાગઢથી મહીસાગર સુધીના પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી વડોદરા શહેરમાં અંદાજે ૨૩ કિલોમીટરનો પ્રવાસ કરીને આગળ વધે છે. આ નદીનો પ્રવાહ માર્ગ જેટલો સ્વચ્છ રહે એટલી ઝડપથી વરસાદી પાણી વહી જાય અને પાણી ભરાવા અને સપાટી વધવાનું જોખમ ઘટે. આ વાત ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને  પહેલીવાર ૧૩ જેટલા સ્થળોએ વટકલ કલીનિંગ એટલે કે સપાટીથી ઊંડાઈ સુધીની સફાઈ કરી હતી. 

વિવિધ સાધનોની મદદથી કુલ ૧૭૩૭૪૦ ચોરસ મીટર વિસ્તારમાંથી સરેરાશ ૩ મીટર ઊંડાઈ સુધી કચરા અને  કાટમાળના ઢગલાને હટાવવામાં આવ્યો જે દરમિયાન ૫૨૧૨૨૦ સી.સીએમટી કચરો અને કાટમાળ હટાવી, વિશ્વામિત્રીના વહેણની સરળતા કરવામાં આવી છે. વિશ્વામિત્રી સફાઈની આ કામગીરી સમામા નવી નગરી, ભરવાડવાસ, અગોરા મોલ પાસે મંગળ પાંડે બ્રિજ, રાત્રિ બજાર, કારેલીબાગ, વુડા ઓફિસ પાસે કચરા એકત્રિતકરણ કેન્દ્ર, નરહરિ બ્રિજ અને કાલા ઘોડા બ્રિજથી યવતેશ્વર વચ્ચે, ભીમનાથ બ્રીજની બંને બાજુ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ બાજુ, અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે, અકોટા સ્મશાન અને રેલવે બ્રિજ વચ્ચે, મુજ મહુડા બ્રિજ અને અટલાદરા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે, અટલાદરા માંજલપુર બ્રિજ અને વડસર બ્રિજ પાસે કરવામાં આવી છે. 

મોટા સાધનો સહિત ૫૦ જેટલા ડમ્પરોની મદદથી સફાઈ અને કર્મચારીઓની મદદથી કુલ ૭૦૭૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે કુલ ૫૦ હજાર ક્યુબિક મીટર કચરો ઉપાડયો  હતો. કેટલીક જગ્યાએ થી ૮/૯ થી લઈને ૧૦/૧૫ મીટર ઊંડાઈ ના કચરાના થર હટાવવામાં આવ્યા હતા. વડોદરા શહેરના વિશ્વામિત્રીના વહન વિસ્તારમાં નદીની જળ વહન ક્ષમતા અંદાજે ૮૫૦ ક્યુમેક્સ છે. જેની સામે તાજેતરના પૂરમાં ૧૪૦૦ ક્યુમેકસ પાણીનો જથ્થો વહ્યો હતો.




Google NewsGoogle News