શ્રીજી વિસર્જન દરમિયાન ૭૦૦ બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ,સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૃમમાંથી ચાંપચી નજર
વડોદરાઃ વડોદરામાં આજે સવારથી શ્રીજી વિસર્જનની યાત્રાઓ શરૃ થઇ જતાં પોલીસના ચાંપતા બંદોબસ્તને કારણે મોડીરાત સુધી વિસર્જનનું કાર્ય નિર્વિધ્ને ચાલી રહ્યું હતું.
શહેરમાં આઠ કૃત્રિમ તળાવોમાં શ્રીજી ની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર હોવાથી પોલીસ કમિશનર દ્વારા તમામ તળાવો ઉપરાંત વિસર્જન યાત્રાના રૃટ પર અર્ધ લશ્કરી દળો સહિત ૬૫૦૦ જેટલા પોલીસ જવાનોને ગોઠવી દેવાયા હતા.
પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં બેરિકેડ મૂકીને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.જ્યારે,ક્વિક રિસ્પોન્સ ટીમ,અશ્વદળ, ડોગ સ્કવોડ,બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસ માટે સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી રહ્યા હતા.સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમમાંથી તમામ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી હતી.જ્યારે,૭૦૦ જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો પણ ખૂબ મદદરૃપ થયા હતા.આ પૈકીના અનેક કેમેરાને સિટી કંટ્રોલ રૃમ સાથે કનેક્ટ કરવામાં આવ્યા હતા.