કપડવંજમાં 20 વીજ કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા 7 લાખનો દંડ
ચેકિંગ સઘન બનાવવાની વાતથી વીજ ચોરોમાં ફફડાટ
તાલુકામાં બુધવારની સાંજે મહેમદાવાદ વિભાગીય કચેરીઓની ટીમે પોલીસને સાથે રાખી કામગીરી કરી
કપડવંજ: મધ્ય ગુજરાત વીજ કંપની દ્રારા વીજ લોસ ઘટાડવા માટે ગેરકાયદે ચાલતાં વીજ વપરાશ કરતા વીજ ચોરોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી પોલીસને સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન ૨૦ જેટલા વીજ કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા રૂા. ૭ લાખનો દંડ કરાયો હતો.
કપડવંજ સહિતના વિસ્તારોમાં ચાલતા વીજચોરીના દુષણને ડામવા એમજીવીસીએલ મહેમદાવાદ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીના ચેકિંગ અધિકારીઓ દ્વારા તા. ૧૩મીને બુધવારે સાંજના સમયે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી.
કપડવંજના કલાજી, અલવા, લાલ માંડવા, પલૈયા, વ્યાસજીના મુવાડા, ભોજના મુવાડા, સિંગાલી, ઉકરડાના મુવાડા, વાવના મુવાડા,વ્યાસ વાસણા, લિલાજીના મુવાડા,મેનપુર, ઝંડા, ચપટીયા, ઘઉંવા, લાલપુર, કનીયેલના મુવાડા, વિરણીયા, સુણદા, રેલીયા, પાખીયા સહિતના વિવિધ ગામોમાં સઘન વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં આશરે રૂપિયા ૭ લાખના ૨૦ જેટલા વિજચોરીના કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ વીજ ચેકિંગની કામગીરી અવાર નવાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળતા કપડવંજના વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.