વડોદરા કોર્પોરેશને પ્રોત્સાહક વ્યાજ વળતર યોજનામાં 7.47 કરોડ વ્યાજનું રિબેટ આપ્યું

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશને પ્રોત્સાહક વ્યાજ વળતર યોજનામાં 7.47 કરોડ વ્યાજનું રિબેટ આપ્યું 1 - image


Vadodara Corporation Tax : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 3 જાન્યુઆરીથી તારીખ 31 માર્ચ સુધી ભાડા આકારણી અને ક્ષેત્રફળ આધારિત આકારણીમાં બાકી પડતા વેરા ઉપર પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ કોર્પોરેશનને 135.33 કરોડ આવક થઈ છે. કુલ 28,371 બિલ આ યોજના હેઠળ ભરાયા હતા. જેની સામે કોર્પોરેશન દ્વારા 7.47 કરોડનું વ્યાજ વળતર ચૂકવાયું છે. વ્યાજ વળતર યોજનામાં ભાડા આકારણી પદ્ધતિ મુજબ તારીખ 1-4-2003 થી બાકી પ્રોપર્ટી ટેક્સ એક સાથે ભરી દે તો નક્કી કરેલા ટકા મુજબ વ્યાજ વળતર અપાયું હતું. જ્યારે ક્ષેત્રફળ આધારિત આકારણીમાં વર્ષ 2003 થી બાકી વેરો ભરી દે તો એમાં પણ નક્કી કરેલા ટકા મુજબ વ્યાજ વળતર આપવામાં આવ્યું હતું. ભાડા આકારણી મુજબ વેરો બાકી હોય પણ ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબ બાકી વેરો ભરી દે તો તેને પણ આ યોજનાનો લાભ આપ્યો હતો.

કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24માં વેરાની આવકનો લક્ષ્યાંક 670.78 કરોડ રાખવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંક કોર્પોરેશનને 31 માર્ચના રોજ સિદ્ધ કરી બતાવ્યો હતો, અને 671.03 કરોડની આવક પ્રાપ્ત કરી હતી. મહાનગરપાલિકા દ્વારા આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે 64320 બીન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી હતી. રહેણાંક મિલકતોને 76252 વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતા.  બાકી વેરા માટે કૂલ 136245 મિલકતોને નોટીસ આપવામાં આવેલ હતી. 671.03 કરોડની વેરાની આવકમાં 559.50 કરોડ આવક મિલકત વેરાની હતી. વર્ષ 2023-24 માટે કોર્પોરેશનને વર્ષ 2023 માં તારીખ 6 મેથી તારીખ 5 જુલાઈ સુધી બે મહિના માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલી બનાવી હતી. બે મહિના ચાલેલી આ યોજનામાં આશરે 1.5 લાખ લોકોએ લાભ લીધો હતો અને કોર્પોરેશનમાં 150.42 કરોડનો વેરો ભર્યો હતો. જેની સામે કોર્પોરેશનએ 8.50 કરોડ રિબેટ આપ્યું હતું.


Google NewsGoogle News