બાજવામાં ગોડાઉન રાખી 66 લાખનો નશીલો સિરપ રાખનાર ફાર્માસિસ્ટ રાજેશ પટેલ ફરાર
વડોદરાઃ વડોદરા નજીક બાજવા સ્ટેશન સામે ગોડાઉનમાં એસઓજીની ટીમે દરોડો પાડી નશાકારક સિરપનો જંગી જથ્થો ઝડપી પાડયો છે.પોલીસે ફરાર થઇ ગયેલા ગોડાઉનના સંચાલક રાજેશ ઉર્ફે રાજુ પટેલને શોધવા તેના આશ્રય સ્થાનો પર છાપા માર્યા છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ત્રણ દિવસ પહેલાં વટામણ ચોકડી પાસે રિક્ષાને આંતરી રૃ.૮૮૫૦૦ની કિંમતની નશાકારક સિરપની ૫૯૦ બોટલ સાથે વડોદરાના પ્રતીક પંચાલ અને શકીલ શેખને ઝડપી પાડતાં આ જથ્થો સુભાનપુરાના ઉત્તુંગ બિલ્ડિંગમાં ભાડેથી ગોડાઉન રાખનાર રાજુ પટેલે સપ્લાય કર્યો હોવાની વિગતો ખૂલી હતી.
જેને પગલે વડોદરા એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમે રાજુ પટેલના નેટવર્કની વિગતો મેળવ્યા બાદ ગઇરાતે બાજવા રેલવે સ્ટેશન સામે ગોડાઉનમાં દરોડો પાડી રૃ.૬૬ લાખની કિંમતની નશાકારક સિરપની ૪૪ હજાર બોટલો કબજે કરી હતી.
પોલીસની તપાસમાં જે ગોડાઉનમાંથી સિરપનો જથ્થો મળ્યો તે ગોડાઉન વટામણ ચોકડી પાસે પકડાયેલા સિરપના સપ્લાયર રાજેશ ઉર્ફે રાજુ પટેલનું હોવાની વિગતો બહાર આવી હતી.જેથી પોલીસે સિરપનો જથ્થો કબજે કરી રાજુને શોધવા છાપા માર્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે,રાજેશ પટેલ સિરપ બનાવતી કંપનીનો સત્તાવાર સ્ટોકિસ્ટ છે.તેણે કેમિસ્ટોને જ સિરપ સપ્લાય કરવાની હોય છે.પરંતુ ગેરકાયદે લોકોને સિરપ આપતો હતો.જેથી તેની શોધખોળ હાથ ધરી છે.
રાજેશ પટેલનો સિરપનો ધૂમ વેપાર,એક મહિના પહેલાં બીજું ગોડાઉન ભાડે રાખ્યું
નશાકારક સિરપનો સ્ટોકિસ્ટ રાજેશ પટેલ પકડાય ત્યારબાદ સિરપના ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ થશે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,નશીલી સિરપનો સત્તાવાર સ્ટોકિસ્ટ રાજેશ ઉર્ફે રાજુ પટેલ(લક્ષ્મીપુરા,ગોરવા)નું સુભાનપુરાના ઉતુંગ બિલ્ડિંગમાં ભાડાનું ગોડાઉન આવેલું છે.જેમાંથી તેણે સિરપનો જથ્થો સપ્લાય કર્યો હતો.
રાજુ પટેલનો સિરપનો ધંધો પુરજોશમાં ચાલતો હતો અને તેથી જ એક મહિના પહેલાં તેણે બાજવા સ્ટેશન સામે ભાડાનું ગોડાઉન રાખ્યું હતું.રાજુ પટેલ પકડાય તો સિરપના સપ્લાયર,એજન્ટ અને ગ્રાહકોના નેટવર્કનો ભેદ ખૂલશે.
20 દિવસ પહેલાં જ પોલીસે કેમિસ્ટોને સિરપ બાબતે ચેતવણી આપી હતી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવારમેડિકલ સ્ટોર્સમાં નશાકારક સિરપ ના વેચાય તે માટે ૨૦ દિવસ પહેલાં જ એસઓજીના પીઆઇ અને ટીમે જુદાજુદા વિસ્તારના કેમિસ્ટો સાથે મીટિંગ યોજી હતી.પોલીસે નશાકારક સિરપની ગંભીરતા બાબતે ચર્ચા કરી હતી અને નશાના બંધાણીઓ સુધી આ સિરપ ના પહોચે તેની તકેદારી રાખવા અપીલ કરી હતી.આમ છતાં વડોદરામાં ગોડાઉન રાખી સિરપના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે.
ખેડા સિરપ કાંડના બે મુખ્ય સૂત્રધાર પણ વડોદરામાંથી પકડાયા હતા
બે મહિના પહેલાં કોઠી વિસ્તારમાં સિરપની બિનવારસી બોટલો મળી હતી
ખેડા સિરપકાંડનું પગેરું પણ વડોદરા પહોંચ્યું હતું અને બે મુખ્ય સૂત્રધાર વડોદરામાંથી પકડાયા હતા.
બે મહિના પહેલાં ખેડામાં નશાકારક સિરપને કારણે પાંચેક જણાના મોત નીપજ્યાં હોવાનો બનાવ બનતાં રાજ્યભરમાં ઉહાપોહ થયો હતો.આ બનાવમાં મુખ્ય બે સૂત્રધાર નીતિન કોટવાણી અને ભાવેશ સાવકાણી વડોદરામાંથી પકડાયા હતા.
આ ઉપરાંત ખેડા સિરપ કાંડની તપાસ દરમિયાન કોઠી વિસ્તારમાં કોઇ વ્યક્તિ નશીલી સિરપની બોટલો ફેંકી ગઇ હોવાથી તેના ફોટા વાયરલ થયા હતા.પરંતુ તે દરમિયાન પોલીસને કાંઇ હાથ લાગ્યું નહતું.