ગાયકવાડી જમાનાના આજવા સરોવર સ્થિત 62 દરવાજાનું ધોવાણ અટકાવવા સમારકામ કરાશે

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
ગાયકવાડી જમાનાના આજવા સરોવર સ્થિત 62 દરવાજાનું ધોવાણ અટકાવવા સમારકામ કરાશે 1 - image

વડોદરા,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરા કોર્પોરેશન હસ્તક આજવા ખાતેના સરોવર ઉપર આવેલા 62 દરવાજા ખાતે પેનલ રીપેરીંગ કરવાની તથા સંલગ્ન કામગીરી માટે ઇજારદારનાં અંદાજીત રકમથી 6.20% વધુ મુજબ રૂ.25,06,802+18% જીએસટીના ભાવપત્રને સ્થાયી સમિતીની મંજુરી રજૂ કરવામાં આવ્યું છે.

પાલિકા હસ્તક આજવા ખાતે સયાજી સરોવર આવેલ છે. જ્યાંથી પાણી છોડવા અંગે 62 દરવાજાની સુવિધા છે. જે ગાયકવાડી સમયેથી બનાવવામાં આવેલ છે. આજવા સરોવર વિસ્તાર તેમજ તેનાં ઉપરવાસનાં વિસ્તારોમાં થતા વરસાદને કારણે આજવા સરોવરનાં લેવલમાં મંજુર લેવલ જાળવવા વરસાદની ઋતુમાં ઘણી વખત આજવા સરોવરનાં 62 દરવાજા ખોલવામાં આવે છે. જેને પરિણામે 62 દરવાજાની કેટલીક આર.સી.સી. પેનલમાં ટોપનાં ભાગમાં ઈરોઝન થવાને કારણે નુકસાન થયેલ છે. જેને રીપેર કરવાની જરૂરીયાત છે.

કામ માટે અંદાજની મંજૂરી મેળવી ફૂલ ત્રણ પ્રયત્ને ભાવપત્રો મંગાવેલ હતા. પ્રથમ બે પ્રયત્ને કોઈપણ એજન્સી દ્વારા ભાવપત્રો ભરવામાં આવેલ ન હતા. ત્રીજા પ્રયત્નમાં અંદાજીત રકમ રૂ.23,60,454 માટે ટેન્ડર મંગાવવામાં આવેલ. જેમાં 2 એજન્સીના ભાવપત્રો આવેલ છે. બંને એજન્સીના ટેકનીકલ બીડના ઇવેલ્યુશન કરતા બન્ને ક્વોલીફાય થતા હોઈ હતા.

સૌથી ઓછા ભાવ ભરનાર ઇજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતા તેઓએ ભાવમાં વધુ 0.5% વધુ ભાવ ઘટાડો કરવા સંમતીપત્ર આવેલ છે. ઈજારદારનું છેવટનું ભાવપત્રક અંદાજીત રકમ રૂ.23,60,454થી 6.20% વધુ મુજબ રૂ.25,18,790+18% જીએસટીનું થવા પામે છે. સરકારનાં પ્રવર્તમાન મંજુર દર મુજબ જીએસટીમાં વધઘટ થશે તો તે મુજબ ઇજારદારને ચૂકવવાના રહેશે. ભાવપત્ર મંજૂરી અર્થે ટેન્ડર કમિટિમાં રજુ કરતા ટેંન્ડર કમિટિ દ્વારા ભાવપત્ર મંજૂર કરવા ભલામણ કરેલ છે. કામનો ખર્ચ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઓની ગ્રાંટ પેટે પાડવાનો રહેશે. કામગીરી કરવાથી આજવા 62 દરવાજાની પેનલ તથા તેના ડાઉન-સ્ટ્રીમના ભાગમાં વધુ ધોવાણ થતું અટકશે અને શહેરનાં ઐતિહાસિક સ્થળની નિભાવણી કરવા સલામતીની દૃષ્ટિએ પણ જરૂરી જણાય છે, જેથી વધુ ધોવાણ થતું નિવારી શકાશે. કામને મંજૂર કરવા સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News