કોમર્સમાં એફવાયમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા 6000 પર પહોંચી, આર્ટસમાં 50 ટકા સીટો ખાલી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ધો.૧૨ પછી જીકાસના શિડયુલ પ્રમાણે પ્રવેશનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે.
એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની બીજી પ્રવેશ યાદીમાં ૨૭૩૮ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.આ પૈકી ૧૯૦૦ જેટલા વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડમાં ફી ભરી છે અને આવતીકાલે, બુધવારે ફી ભરવાનો છેલ્લો દિવસ છે.પહેલા રાઉન્ડમાં ૪૧૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ ચુકયા હોવાથી કોમર્સમાં એફવાયના વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦૦૦ પર પહોંચી છે અને હજી બીજા રાઉન્ડની ફી ભરવામાં એક દિવસ બાકી હોવાથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા હજી વધશે.બીજા રાઉન્ડમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે પણ ૬૧ ટકાની આસપાસ પ્રવેશ અટકયો છે ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ અપાશે કે કેમ તેનુ ચિત્ર હજી સુધી સત્તાધીશોએ સ્પષ્ટ કર્યુ નથી.સાંસદ અને ધારાસભ્યોની વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવી ગેરંટીની જીત થશે કે સત્તાધીશોના જક્કી વલણની તે આવતીકાલ પછી જ ખબર પડશે.ઉલ્લેખનીય છે કે, સત્તાધીશોએ બીજી પ્રવેશ યાદીમાં વડોદરાની વધારાની ૧૪૦૦ બેઠકોનો પણ સમાવેશ કર્યો છે.તેનાથી વધારે બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે કે કેમ તેની કોઈ જાહેરાત થી ન થી.
બીજી તરફ આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશના બીજા રાઉન્ડમાં ૧૫૯૭ વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે અને તે પૈકીના માત્ર ૧૯૬ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધોૅ છે.આવતીકાલે, બુધવારે બીજા રાઉન્ડની ફી ભરવાનો છેલ્લો દિવસ છે.પહેલા રાઉન્ડમાં પ્રવેશ લેનારા ૪૩૩ વિદ્યાર્થીઓ સાથે આર્ટસમાં હજી માત્ર ૬૨૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.આમ આર્ટસ ફેકલ્ટીમાં ગત વર્ષની સરખામણીએ હજી ૫૦ ટકા જ બેઠકો ભરાઈ છે અને ૫૦ ટકા બેઠકો ખાલી રહી છે.