વડોદરાના ૬૦૫૫ શિક્ષકોએ સીપીઆરની તાલીમ લીધી, ૫૦૦ જેટલા શિક્ષકો ગેરહાજર
વડોદરાઃ યુવાઓમાં અને સ્કૂલોના વિદ્યાર્થીઓમાં પણ છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાનુ પ્રમાણ વધી ગયુ છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉપક્રમે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને સીપીઆર(કાર્ડિઓ પલમોનરી રીસસ્ટિકેશન)ની તાલીમ આપવાનુ નક્કી કર્યુ છે.
આજે પહેલા તબક્કાની તાલીમ યોજાઈ હતી અને તેમાં વડોદરા શહેર જિલ્લાના ૬૦૫૫ શિક્ષકોએ સીપીઆરની તાલીમ લીધી હતી.જ્યારે તાલીમ ફરજિયાત હોવા છતા ૫૦૦ જેટલા શિક્ષકો અને આચાર્યો ગેરહાજર રહ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે વડોદરાની સયાજી હોસ્પિટલ તેમજ ગોત્રી મેડિકલ હોસ્પિટલ તથા વડોદરા નજીકની બે બીજી ખાનગી મેડિકલ કોલેજોની હોસ્પિટલોમાં સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી ૧૦૦-૧૦૦ શિક્ષકોની બેચને તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં ભાજપના ડોક્ટર સેલ દ્વારા પણ મદદ કરવામાં આવી હતી.તાલીમના ભાગરુપે શિક્ષકોને પહેલા અડધો કલાક સુધી સીપીઆરના ફાયદા સમજાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમને પ્રેક્ટિકલ નિર્દેશન સાથે તાલીમ આપવામાં આવી હતી.
જેમાં વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ૨૦૧૮, જિલ્લાની સરકારી પ્રાથમિક સ્કૂલોના ૩૪૦૩ તથા વડોદરા શહેરની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અને બીજા કર્મચારીઓ મળીે ૫૨૪ લોકોએ સીપીઆરની તાલીમ લીધી હતી.જોકે વડોદરા શહેરની નગર પ્રાથમિક સ્કૂલોના ૭૦૦ જેટલા શિક્ષકોને મતદાર યાદી સુધારણાની કામગીરી હાલમાં સોંપવામાં આવી હોવાથી તેઓ આજે તાલીમ લઈ શક્યા નહોતા.જોકે તેમને બીજા તબક્કામાં ૧૭ ડિસેમ્બરે તાલીમ આપવામાં આવશે.ગેરહાજર શિક્ષકોને પણ આ જ દિવસે તાલીમ અપાશે.સાથે સાથે ૧૭ ડિસેમ્બરે યોજાનારા કેમ્પમાં ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ તાલીમ માટે બોલાવવામાં આવશે તેવુ મનાઈ રહ્યુ છે.