વડોદરાના ૧૨ કેન્દ્રો પર ૬૦૦૦ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા આપશે
વડોદરાઃ ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે દેશમાં તા.૫ાંચ મે, રવિવારે નીટની પરીક્ષા લેવામાં આવશે.વડોદરાના ૧૨ કેન્દ્રો પર ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.
નીટની પરીક્ષા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા લેનાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડ્રેસકોડ અને બીજી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.જે પ્રમાણે વિદ્યાર્થીઓને બૂટ પહેરીને કે શરીર પર બીજા ઘરેણા, ખાવા પીવાની વસ્તુઓ કે પાણીની બોટલ સાથે પ્રવેશ આપવામાં નહીં આવે.જોકે બીમાર વિદ્યાર્થી પ્રિસ્ક્રિપ્શન સાથે દવા રાખી શકશે.
આ જ રીતે ડ્રેસ કોડના ભાગરુપે વિદ્યાર્થીઓએ હાફ સ્લીવ અને ટ્રાઉઝર જેવા વસ્ત્રો પહેરવાના રહેશે.સાથે સાથે ઝીપ પોકેટ, મોટા બટનવાળા વસ્ત્રોને મંજૂરી નહીં અપાઈ.
ધો.૧૨માં બાયોલોજી વિષય લેનારા વિદ્યાર્થીઓ વેકેશન બાદ પણ નીટ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હતા.આવતીકાલે, રવિવારે પરીક્ષા પૂરી થયા બાદ આ વિદ્યાર્થીઓ વેકેશન માણી શકશે.જોકે, પરીક્ષાના આયોજન વચ્ચે આકરી ગરમી અને હીટવેવ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.કારણકે પરીક્ષાનો સમય બપોરે બે વાગ્યાનો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જતા હોય છે.
નીટની પરીક્ષા માટેના કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે તો બીજી તરફ વીજ પૂરવઠો ખોરવાય નહીં તે માટે પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.