વડોદરામાં બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ૬૦૦૦ સીડીની ચકાસણી પૂરી
વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા માટેની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે.હવે માત્ર ૫૦૦ જેટલી સીડીની ચકાસણી બાકી છે અને તે પણ આવતીકાલે પૂરી થઈ જશે.
મળતી વિગતો પ્રમાણે સાવલી ખાતે તાજેતરમાં જ નવી બનાવાયેલી સરકારી સ્કૂલની આધુનિક કોમ્પ્યુટર લેબમાં સીડીની ચકાસણી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં શિક્ષકોની ટીમે બે પાળીમાં કામ કરીને ૬૦૦૦ જેટલી સીડીની ચકાસણી કરી છે.આવતીકાલે આ ચકાસણી પૂરી થઈ જશે.આ ફૂટેજની ચકાસણી દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા હોય તેવુ લાગ્યુ છે તેમની જાણકારી ડીઈઓ કચેરીને પૂરી પાડવામાં આવી છે.આ જાણકારીના આધારે વિદ્યાર્થીઓને કચેરીમાં સુનાવણી માટે બોલાવાશે અને જો તેઓ ચોરી કરતા હોવાનુ પૂરવાર થશે તો બોર્ડને રિપોર્ટ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, સીડી જોવાની કામગીરી તા.૧૩ માર્ચથી શરુ કરી દેવાઈ છે.આ કાર્યવાહી સવારે અને બપોરે એમ બે શિફટમાં ચાલી રહી છે.સીડી જોવા માટે ૨૦-૨૦ શિક્ષકોની બે ટીમો બનાવવામાં આવી છે.જેના કારણે રોજ ૫૦૦ કરતા વધારે સીડીની ચકાસણી કરવાનુ શક્ય બન્યુ છે.
સાથે સાથે શૈક્ષણિક આલમના સૂત્રોના કહેવા પ્રમાણે વડોદરામાં બોર્ડ પરીક્ષા બાદ ઉત્તરવહીઓની ચકાસણી માટે શરુ કરવામાં આવેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં પણ ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે.એક સપ્તાહની અંદર આ કામગીરી પૂરી થઈ જાય તેવી શક્યતા છે.બોર્ડ પરીક્ષા પૂરી થયા બાદ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વેકેશન માણી રહ્યા છે.જ્યારે ધો.૧૨ સાયન્સના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે.તા.૩૧ માર્ચે આ વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે.