ગાંધીનગરમાં વર્ષો જૂના વધુ ૬૦૦ સરકારી આવાસોને તોડી પડાશે
પાટનગર યોજના વિભાગ દ્વારા કરાયેલા સ્ટ્રક્ચરલ સર્વે બાદ
ભયજનક સ્થિતિમાં આવી ગયેલા આવાસો તોડવાની ઝુંબેશમાં અત્યાર સુધી કુલ ૩૧૨૫ને તોડી પડાયા
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારી કર્મચારીઓ માટે
વર્ષો અગાઉ અલગ અલગ કેટેગરીના સરકારી આવાસો બનાવવામાં આવ્યા હતા. જો કે સમય જતાની
સાથે પાટનગર યોજના વિભાગ દ્વારા તેનું સમારકામ પણ કરવામાં આવતું હતું પરંતુ હવે
સ્થિતિ એ થઈ ગઈ છે કે, ૪૦ થી ૫૦
વર્ષ જુના આવાસો ગમે ત્યારે પડી શકે છે. આ સ્થિતિમાં આવા આવાસો ખાલી પણ કરાવી
દેવામાં આવ્યા છે અને તેને તોડવા માટેની કામગીરી પણ સમયાંતરે હાથ ધરવામાં આવતી રહે
છે .જોખમી આવાસો સંદર્ભે અત્યાર સુધી તંત્ર દ્વારા બે થી ત્રણ વખત સર્વે હાથ
ધરવામાં આવ્યો હતો. અગાઉ હાથ ધરાયેલા સર્વે મુજબ ૩૧૨૬ જેટલા જોખમી મકાનો ધ્યાને
આવ્યા હતા. જેને તોડી પણ દેવાયા હતા ત્યારે
પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના સેક્ટરોમાં સ્થિત વિવિધ કક્ષાના સરકારી
આવાસનો સ્ટ્રકચરલ સર્વે હાથ ધરાયો હતો. જેના અંતે વધુ ૬૦૦ જેટલા મકાનો જોખમી
હોવાનું સ્પષ્ટ થયું હતું. જ્યારે આ ભયજનક આવાસો તોડવા માટે તંત્રએ વિભાગની
દરખાસ્ત કરી હતી. વિવિધ સેક્ટરોમાં સ્થિત જુદી જુદી કક્ષાના આ જોખમી આવાસો તોડવાના
મામલે વિભાગ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જેના અંતે હવે આ જોખમી મકાનો પણ
તોડી પાડવામાં આવશે. ત્યારે બીજી તરફ કર્મચારીઓને અદ્યતન રહેણાંક પૂરું પાડવા માર્ગ મકાન વિભાગ દ્વારા
સેક્ટરોમાં નવી ટાવર કોલોનીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
હાલ પણ અંદાજિત ૧૪૦૦ જેટલા મકાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જયારે જૂના અને જોખમી બનતા આવાસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.