નવા વીસી બનવા માટે લોબિંગ, એમ.એસ.યુનિ.ના ૬૦ જેટલા પ્રોફેસરો વીસી બનવાની લાયકાત ધરાવે છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલરની ટર્મ ૯ ફેબુ્રઆરીએ પૂરી થાય છે અને હવે આગામી વાઈસ ચાન્સેલરની પસંદગી માટેની સર્ચ કમિટિ બનાવવાની પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે ત્યારે યુનિવર્સિટીના જ કોઈ વરિષ્ઠ અધ્યાપકને વાઈસ ચાન્સેલર બનાવવામાં આવે તેવી લાગણી પણ અત્યારથી વ્યક્ત થઈ રહી છે.
યુજીસીના ધારાધોરણો પ્રમાણે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ જરુરી છે. એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ૬૦ જેટલા વરિષ્ઠ અધ્યાપકો એવા છે જેઓ પ્રોફેસર પણ છે અને તેમની પાસે ૧૦ વર્ષ કરતા પણ વધારે અનુભવ છે.આ પૈકીના ૨૦ અધ્યાપકો એવા છે જેઓ બહોળો વહીવટી અનુભવ પણ ધરાવે છે અને તેઓ પોતાના વિષયમાં નામના પણ ધરાવે છે.આ પૈકીના ૧૦ થી ૧૨ અધ્યાપકો આગામી વાઈસ ચાન્સેલર બનવા માટે સર્ચ કમિટિને બાયોડેટા મોકલે તેવી શક્યતાઓ પણ છે.
યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, બહારના અધ્યાપકને યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર બનાવવામાં આવે તેના કરતા યુનિવર્સિટીના જ અનુભવી પ્રોફેસરોમાંથી કોઈની નિમણૂંક સર્ચ કમિટિ અને સરકારે વાઈસ ચાન્સેલર તરીકે કરવી જોઈએ.યુનિવર્સિટીના પ્રોફેસરને સ્થાનિક સ્તરે શું સમસ્યાઓ છે અને તેનો કેવી રીતે ઉકેલ લાવવો જોઈએ તેનો અનુભવ પણ હોય છે.ઉપરાંત સ્થાનિક અધ્યાપકો યુનિવર્સિટીની સમસ્યાઓને લઈને વધારે સક્રિય પણ રહેતા હોય છે.
પ્રો.પરિમલ વ્યાસને વાઈસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા અને તેમને સરકારે બે ટર્મ પણ આપી હતી.જોકે એ પછી ૨૦૨૨માં ે અમદાવાદની ખાનગી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ડો.વિજય શ્રીવાસ્તવને સરકારે એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનાવ્યા હતા.તેમની ટર્મ દરમિયાન યુનિવર્સિટી છાશવારે વિવાદોમાં રહી છે.
કયા અધ્યાપકોના નામોની દાવેદાર તરીકે ચર્ચા
-પ્રો. ધનેશ પટેલ, ટેકનોલોજી ફેકલ્ટી
-પ્રો. સી એન મૂર્તિ, ટેકનોલોજી ફેકલ્ટી
-પ્રો.પ્રજ્ઞોશ શાહ, કોમર્સ ફેકલ્ટી
-પ્રો.આર સી પટેલ, એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટી
-પ્રો.હરિ કટારિયા, સાયન્સ ફેકલ્ટી
-પ્રો.અતુલ જોષી, સાયન્સ ફેકલ્ટી
-પ્રો. અમિત ધોળકિયા, આર્ટસ ફેકલ્ટી