Get The App

વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 નાના-નાના દેવસ્થાનોના વિકાસની દરખાસ્તને મંજુરી

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 નાના-નાના દેવસ્થાનોના વિકાસની દરખાસ્તને મંજુરી 1 - image


- વડોદરા જિલ્લામાં પાદરાના 6 અને શિનોરના 1 ધાર્મિક સ્થળોનો રૂ.1.52 કરોડના ખર્ચે થશે વિકાસ : આર.આર.રાવલ

વડોદરા,તા.4 નવેમ્બર 2023,શનિવાર

વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 નાના-મોટા દેવસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તોને મુખ્યંત્રીએ મંજુરી આપી છે. આ દરખાસ્ત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગ્રામ્ય શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રો એવા પાદરાના 6 અને શિનોરના એક  દેવસ્થાનોના વિકાસની આ દરખાસ્તને મંજુરી આપી દીધી છે.

જીપીવાયવીબીના સચિવ આર.આર.રાવલે જણાવ્યું કે બોર્ડને વડોદરા જિલ્લાના અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો તરફથી નાના-નાના તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળી હતી. બોર્ડે આ દરખાસ્તો મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી. મુખ્યમંત્રીએ આ દરખાસ્તો ઉપર વિચારણા કરી વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના નાના-નાના 7 દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.52 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. 

મુખ્યમંત્રી દ્વારા વડોદરા જિલ્લાના જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે, તેમાં સરકાર હસ્તકના શ્રી લાલજી મહારાજ મંદિર (મુ. ચાણસદ, તા. પાદરા) ખાતે રૂપિયા 10.17 લાખના વિકાસ કામો, શ્રી રણછોડજી મંદિર (મુ. ડભાસા, તા. પાદરા) ખાતે રૂપિયા 11.22 લાખના વિકાસ કામો, શ્રી મુરલીધર મંદિર (મુ. આમળા, તા. પાદરા) ખાતે રૂપિયા 13.23 લાખના વિકાસ કામો, શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર (મુ. ઉમરાયા, તા. પાદરા) ખાતે રૂપિયા 13.78 લાખના વિકાસ કામો, શ્રી દુર્ગેશ્વર મહાદેવ મંદિર (મુ. મોભા, તા. પાદરા) ખાતે રૂપિયા 27.65  લાખના વિકાસ કામો અને શ્રી નરસિંહજી મંદિર, (મુ. અંબાડા, તા. પાદરા) ખાતે રૂપિયા 25.95  લાખના વિકાસ કામો કરવામાં આવશે. આમ, સરકાર હસ્તકના આ 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.02 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત, શ્રી સત્યનારાયણ મંદિર (મુ. માલસર, તા. શિનોર) ખાતે રૂપિયા 50 લાખના વિકાસ કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ અગાઉ પણ વડોદરા શહેર અને જિલ્લાના ચાર તીર્થસ્થાનોના કામો માટે રૂપિયા 7.45 કરોડ મંજુર કર્યા હતાં. જીપીવાયવીબીના સચિવ આર.આર.રાવલે આશાવાદ વ્યક્ત કર્યો કે ઉપરોક્ત મંજુરી મળતા વડોદરા જિલ્લાના ધાર્મિક સ્થાનોનો વિકાસ વેગવંતો બનશે. એટલું જ નહી, સ્થાનિક શ્રધ્ધાળુઓની આસ્થા પણ દૃઢ થશે.


Google NewsGoogle News