નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષકની છ અને મેડિકલ ઓફિસરની 7 જગ્યા ખાલી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષકની છ અને મેડિકલ ઓફિસરની  7 જગ્યા ખાલી 1 - image


જિલ્લાના અરોગ્ય કેન્દ્ર જ ડોક્ટરો વગર બિમાર

ચાર તબીબોની નવી ભરતી થઇ હોવા છતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાંચ મેડિકલ ઓફિસરની જગ્યા ઘણા વર્ષોથી ચાર્જમાં

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રને નવા લૂક આપીને ત્યાં તમામ પ્રકારની આરોગ્યની સેવા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવાની તથા આયુષ્માન ભવઃ યોજના અંતર્ગત નિષ્ણાંતો તબીબોની સેવા-સારવાર પણ ગામડામાં મળી રહે તે માટેની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં પુરતા મેડિકલ ઓફિસર પણ નથી. ચાર તબીબોની નવી ભરતી કરવામાં આવી હોવા છતા પીએચસી-સીએચસીમાં મળીને કુલ ૧૨ જેટલા મેડિકલ ઓફિસર તથા છ અધિક્ષકની જગ્યા ખાલી છે.

સરકાર દ્વારા આરોગ્યની સેવા ગામડા સુધી પહોંચે તે માટે આરોગ્ય કેન્દ્રના મોડેલને નવા લૂક આપીને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ફેરવવામાં આવી રહ્યા છે. નવા નવા કરવાની સાથે કેન્દ્રનું બિલ્ડીંગને પણ આધૂનિક લૂક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુતબીબો જ પુરતા પ્રમાણમાં નહીં હોવાને કારણે હાલ ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો જ બિરાર હાલતમાં છે. જિલ્લાના નવ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહત્વની અને મુખ્ય ગણાતી સુપ્રિટેન્ડેન્ટની છ જગ્યાઓ ખાલી છે. જેનાથી મોટાભાગના સીએચસી ચાર્જમાં ચલાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત સીએચસીમાં કુલ સાત મેડિકલ ઓફિસરની જગ્યા પણ ખાલી છે.

એટલુ જ નહીં, ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૩૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં જ નવા ચાર મેડિકલ ઓફિસરની ભરતી કરી હોવા છતા અહીં પાંચ એમઓની જગ્યા હજુ ખાલી હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય અજીતસિંહ રાઠોડે સામાન્ય સભામાં મેડિકલ ઓફિસરોની ખાલી જગ્યા અંગે મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.કલોલના પાનસરમાં દસ હજારની વસ્તી વચ્ચે પણ તબીબો નહીં હોવાને કારણે દર્દીઓને અમદાવાદ અને ગાંધીનગર લાંબુ થવું પડે છે.

આરોગ્ય કેન્દ્રોમાં ઘટ હોવા છતા તબીબોના જિલ્લા પંચાયતમાં ધામા

એક બાજુ ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં પુરતું મહેકમ નથી. તબીબો નહીં હોવાને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલો અને દવાખાનાનો સહારો લેવા પડે છે ત્યારે તબીબી કામગીરીથી છુટકારો મેળવવા માટે ઘણા મેડિકલ ઓફિસરોએ જિલ્લાની વિવિધ યોજનામાં પોતાના નામ ઓફિસર તરીકે નંખાવી દિધા છે અને તેના ઓર્ડર કરાવીને જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા વખતથી ધામા નાંખ્યા છે. હાલ જિલ્લા પંચાયત ભવનમાં પુરતી ચેમ્બર કે રૃમ પણ નથી તેમ છતા આવા ચાર્જ લઇને ધામા નાંખેલા તબીબો ચેમ્બર પચાવીને બેઠાં છે.જેના પગલે જિલ્લા પંચાયતના અધિકારીઓમાં આંતરિક રોષ ભભુકી રહ્યો છે. 


Google NewsGoogle News