વિદ્યુત સહાયકોની પરીક્ષામાં ગેરરીતિ મામલે જેટકોના 6 એન્જિનિયર સસ્પેન્ડ
લેખિત પરીક્ષા ફરીથી આપવાનો નિર્ણય જેટકો બદલશે નહી તો ગાંધીનગર ખાતે વાલીઓ સાથે ઉગ્ર આંદોલન કરવાની ઉમેદવારોની ચિમકી
વડોદરા : જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયામાં લેવામા આવેલા પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યા બાદ સરકારે આખી ભરતી પ્રક્રિયા જ રદ્ કરીને લેખિત પરીક્ષા તથા પોલ ટેસ્ટ ફરીથી લેવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય સામે ઉમેદવારોએ આંદોલન શરૃ કર્યુ છે. આ દરમિયાન આ મામલે મંગળવારે સાંજે જેટકોના એક ડેપ્યુટી એન્જિનિયર અને પાંચ એક્ઝિક્યુટિવ એન્જિનિયર મળીને ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ભરતી પ્રક્રિયા રદ્ કરવાના નિર્ણય સામે ઉમેદવારોએ શરૃ કરેલા આંદોલન દરમિયાન ૨૨ ડિસેમ્બરે જેટકોના એમડી એ ૪૮ કલાકમાં સમસ્યાનું સમાધાન લાવવાની ખાત્રી હતી પરંતુ ખાત્રીના ત્રણ દિવસ બાદ પણ સમાધાન નહીં આવતા આજે ઉમેદવારો ફરીથી મંગળવારે સવારે જેટકોની ઓફિસ સામે એકઠા થયા હતા અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય રદ્ કરવા માગ કરી હતી. ઉમેદવારોને આજે જેટકોના એમ.ડી.ને મળવુ હતુ પરંતુ તેઆકચ્છના પ્રવાશે હોવાથી જનરલ મેનેજર જે.ટી.રાયને મળ્યા હતા અને રજૂઆત કરી હતી જો કે જેટકો ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય નહી બદલે અને પરીક્ષા તો યોજાશે જ એવી વાત જનરલ મેનેજરે કરતા ઉમેદવારો નિરાશ થયા હતા.ઉમેદવારોએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરી નહીં આપે. લેખિત પરીક્ષામાં કોઇ ગેરરીતિ નથી થઇ તો ફરીથી પરીક્ષા કેમ લેવામાં આવે છે ? અમે આ મામલે વાલીઓ સાથે હવે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરીશું.
ઉલ્લેખનીય છે કે જેટકો દ્વારા તાજેતરમાં વિદ્યુત સહાયકોની ૧,૨૨૪ પોસ્ટ માટે લેખિત પરીક્ષા અને પોલ ટેસ્ટનું આયોજન કર્યુ હતું જેમાં પાસ થયેલા ઉમેદવારોને છેલ્લા બે મહિનાથી નિમણૂંક આપવામાં આવતી નહી હોવાથી ઉમેદવારોએ ઉગ્ર રજૂઆત કરી હતી એ દરમિયાન જ જેટકોએ પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઇ હોવાનું કહીને સમગ્ર પરીક્ષા જ રદ્દ કરવાની જાહેરાત કરતા ઉમેદવારો હવે આંદોલનના માર્ગે છે. આ દરમિયાન જ જેટકોના એક ડેપ્યુટી અને પાંચ એક્ઝિક્યુટિવ મળીને છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જેમાં ડેપ્યુટી એન્જિનિયર કે.એચ.પરમાર તથા એક્ઝિક્યુટિવ એન્જિનિયરો એસ.આર.યાદવ, બી.જે.ચૌધરી, એ.પી.ભાભોર, કે.જી.સોલંકી અને જે.જી.પટેલનો સમવાશે થાય છે.