આર્ટસમાં ૧૧ વિભાગના હંગામી અધ્યાપકોના ઓર્ડર કરાયા તો ૬ વિભાગના ઓર્ડર બાકી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડરને લઈને કકળાટ યથાવત છે.
તમામ વિભાગના હેડે બાંયો ચઢાવ્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ આજે ૧૧ વિભાગોના ૨૦ જેટલા અધ્યાપોકના ઓર્ડર કર્યા છે પણ હજી ૬ મોટા વિભાગોના ૩૦ જેટલા હંગામી અધ્યાપકોના ઓર્ડરો સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા નથી.યુનિવર્સિટી સત્તાધીશોની આડોડાઈના કારણે આર્ટસ ફેકલ્ટીમાં શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે.
મળતી વિગતો પ્રમાણે જે ૬ વિભાગોના હંગામી અધ્યાપકોના ઓર્ડર નથી કરાયા તેમાં ઈકોનોમિક્સ, હિસ્ટ્રી, ઈંગ્લિશ, હિન્દી, ગુજરાતી તેમજ સોશ્યોલોજીનો સમાવેશ થાય છે.એકલા અંગ્રેજી વિભાગમાં જ ૧૮ હંગામી અધ્યાપકો ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે.
આ ૬ વિભાગોના ઓર્ડર નહીં થવા પાછળ વગદાર વ્યક્તિઓની ભલામણ પ્રમાણેના કેટલાક ઉમેદવારોની નિમણૂક નહીં થઈ હોવાનું કારણ જવાબદાર હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.જોકે આ ૬ વિભાગના હેડ પણ નમતું નહીં જોખવાના મૂડમાં છે.બાકી ઓર્ડર માટે આજે સાંજે ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દોડી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર ના થાય તો કેટલાક અધ્યાપકો હેડ તરીકે રાજીનામુ આપી દેવા માટે મક્કમ છે.