Get The App

હરણી બોટ દુર્ઘટનાના 3 ભાગીદાર સહિત 6 આરોપીઓ વધુ 6 દિવસના રિમાન્ડ પર

બોટકાંડનો સૂત્રધાર પરેશ કોર્પોરેશનની ટિકિટ મળવાની છે તેવી શેખી મારતો હતો

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
હરણી બોટ દુર્ઘટનાના 3 ભાગીદાર સહિત 6 આરોપીઓ વધુ 6 દિવસના રિમાન્ડ પર 1 - image


વડોદરા : હરણી તળાવમાં લેક ઝોનમાં બોટ ઊંધી વળી જવાની દુર્ઘટનામાં ન્યુ સનરાઇઝ શાળાના ૧૨ બાળકો, એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર સહિત ૧૪ના મોત થયા છે. આ દુર્ઘટના માટે જવાબદાર ૧૮ આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે પૈકી અગાઉ પકડાયેલા ૬ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતા આજે પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ ૧૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી જેની સામે કોટ ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બિનિત કોટિયા, પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ બાદ હવેે 6 આરોપીઓનું  ક્રોસ ઇન્ટરોગેશન કરાશે

પોલીસે રિમાન્ડ માટે કારણો રજૂ કર્યા હતા કે તપાસ દરમિયાન બોટ ચલાવનાર નયન પ્રવિણભાઇ ગોહિલ તથા હેલ્પર અંકિત મહેશભાઇ વસાવાની ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી જણાઇ આવી છે એટલે આ બન્ને આરોપીઓની વધુ પુછપરછ બાકી છે. આરોપી શાંતિલાલ ઇશ્વરભાઇ સોલંકી ટાઇમ અરેના લેકઝોનમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે તેણે ન્યુ સનરાઇઝ સ્કૂલમાં જઇને ખોટી તથા લોભામણી માહિતી આપી હતી તો તે માહિતી કોના કહેવાથી આપવામાં આવી હતી અને તેનાથી શું આર્થિક લાભ મેળવ્યો છે તેની માહિતી મેળવવાની બાકી છે. લેકઝોન કોન્ટ્રાક્ટ વર્ષ ૨૦૧૯થી ચાલુ છે. આ પ્રોજેક્ટ ચાલુ કરવા અને સાધનોની ખરીદી માટે કોની આર્થિક મદદ લેવામાં આવી હતી તથા આરોપીઓ સિવય અન્ય ક્યા ક્યા વ્યક્તિઓએ મદદ કરી છે તેની તપાસ હજુ ચાલુ છે. આરોપીઓના બેન્ક ટ્રાન્ઝેક્શનની તપાસ પણ હજુ ચાલુ છે.

આ કેસમાં અન્ય મુખ્ય આરોપીઓ પૈકી પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ કરવામાં આવી છે. બિનિત કોટિયાની પણ ધરપકડ થઇ ચુકી છે એટલા મુખ્ય સૂત્રધારો સાથે ૬ આરોપીઓ સંલગ્ન હોવાથી તેમને સાથે રાખીને અને પચી ક્રોસ ઇન્ટરોગેશન કરવાનું બાકી છે. નહી પકડાયેલ આરોપી નિલેશ જૈનના સંપર્કો અને ઠેકાણાઓ અંગે પણ આ આરોપીઓને જાણકારી છે એટલે તે અંગે પણ હજુ પુછપરછ બાકી છે.  આ કેસમાં આજે સરકારી વકીલ અનિલ દેસાઇએ મુદ્દાસર અને ધારદાર રજૂઆત કરતા કોર્ટે ૬ આરોપીઓને વધુ ૬ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.

બોટકાંડનો સૂત્રધાર પરેશ કોર્પોરેશનની ટિકિટ મળવાની છે તેવી શેખી મારતો હતો

હરણીની બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ભાજપના આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે તે વાત કોઇથી અજાણી નથી. 

રાજકિય વર્તુળોમાં પરેશ શાહ એવી પણ શેખી મારતો હતો કે આગામી ચૂંટણીમાં મને ભાજપ ટિકિટ આપવાનું છે અને કોર્પેરેટર બનવાનો છું.



Google NewsGoogle News