મેનેજર, કર્મચારી અને 3 ભાગીદાર મળીને 6 આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર
કોની સૂચનાથી બાળકોને લાઇફ જેકેટ વગર બોટમાં બેસાડવામાં આવ્યા હતા, રાઇડ વખતે કોની શું જવાબદારી હતી વગેરે બાબતોની તપાસ શરૃ
વડોદરા : હરણી તળાવમાં લેક ઝોનના નામે ચાલતી બોટિંગ સુવિધામાં તમામ પ્રકારના નિતિ નિયમોને બાજુ પર મુકી દેવાયા હોવાથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. તળાવમાં બોટ ઊંધી વળી જતાં ન્યુ સનરાઇઝ શાળાના ૧૨ બાળકો, એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર સહિત ૧૪ના મોત થયા છે. આ દુર્ઘટના માટે જવાબદાર ૧૮ આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે પૈકી પકડાયેલા ૬ આરોપીઓને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી જેની સામે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને સુરક્ષા બાબતે પગલા લીધા હતા કે કેમ
હરણી તળાવમાં બોટિંગ માટેના કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટીયા પ્રોજેક્ટના પરેશ શાહ અને નિલેશ જૈન સહિતના સંચાલકો, ભાગીદારો અને ડાયરેક્ટરો ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે બીજી તરફ બોટિંગની કામગીરી સંભાળતા મેનેજર, બોટ ચાલક અને કર્મચારીઓ પૈકી ૬ આરોપીઓની તા.૧૯ જાન્યુઆરીએ સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આ ૬ આરોપીઓને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરીને પોલિસે રિમાન્ડ માટેની માગણી કરી હતી તે માટે કારણો રજૂ કર્યા હતા કે ધરપકડ કરાયેલા ૬ આરોપીઓને કસ્ટડીમાં રાખીને ક્રોસ ઇન્ટ્રોગેશન કરવાનું છે. ફરાર ૧૨ આરોપીઓની શોધખોળ ચાલુ છે. ધરપકડ કરાયેલા ૬ આરોપીઓ આ ફરાર આરોપીઓને ઓળખતા હોય અને ફરાર આરોપીઓ સંબંધે જાણકારી હોવાથી તેમને સાથી રાખીને તપાસ કરવી જરૃરી છે. ન્યુ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ શાળા પ્રવાસ માટે લેકઝોન સાથે ક્યા પ્રકારના કરાર કર્યા છે. રાઇડમાં ક્યા પ્રકારની સલામતીના સાધનો ઉપલબ્ધ હતા અને રાઇડ માટે કોને શું જવાબદારી હતી તેની તપાસ પણ બાકી છે. બાળકોના પ્રવાસ વખતે ક્યા કર્મચારીને કઇ જવાબદારી આપવામાં આવી હતી.
કોના કહેવાથી બોટમાં લાઇફ જેકેટ વગર તથા જરૃરી સુરક્ષા સાધનો વગર બાળકોને બેસાડવામાં આવ્યા હતો. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે ક્યા પ્રકારના કરારો કરાયા છે અને નાણાકીય વ્યવહારોમાં કોને કેટલી રકમની ભાગીદારી થઇ છે. ક્યા આરોપીની કેટલા ટકા ભાગીદારી છે. કોર્પોરેશને લેકઝોન ખાતે સુરક્ષા માટે ક્યા પ્રકારના પગલા લીધા હતા. એનડીઆરએફની ગાઇડ લાઇનનું પાલન થયુ છે કે નહી. બોટિંગ સ્ટાફની ભરતી માટે ક્યા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. વગેરે તપાસ બાકી હોવાથી ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે. સરકારી વકીલ અનિલ દેસાઇની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ૬ આરોપીઓને ૨૫ જાન્યુઆરી બપોરના ૩.૩૦ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ
(૧) શાંતીલાલ ઇશ્વરભાઇ સોલંકી - મેનેજર (ઉ.૫૨, રહે.બી-૧૯ નારાયણકુંજ સોસાયટી, શુભલક્ષ્મી સોસાયટી પાછળ, આજવારોડ વડોદરા)
(૨) નયન પ્રવિણભાઇ ગોહીલ - બોટ ઓપરેટર (ઉ.૨૦, રહે. પ્રાર્થના વિહાર ફ્લેટ, પ્રિયા ટોકિઝ પાછળ, સેવાસી-ભાયલી)
(૩) અંકીત મહેશભાઇ વસાવા - હેલ્પર (ઉ.૧૯, રહે.વસાવા ફળીયુ, વિરોદ, તા.વડોદરા)
(૪) વેદપ્રકાશ રામપાત યાદવ (ઉ.૫૫, રહે. અમર ગ્રીન સોસાયટી, પંડિત દિનદયાળ હોલની સામે, આજવારોડ)
(૫) રશ્મિકાંત ચિમનભાઇ પ્રજાપતિ (ઉ.૫૧, રહે. કર્મવીર વીલા સોસાયટી, સંતરામ ડેરી રોડ, નડીયાદ)
(૬) ભીમસિંહ કુડીયારામ યાદવ (ઉ.૪૨. રહે, અમરદીપ હોમ્સ, પંડિત દિનદયાળ હોલ સામે, આજવારોડ